અમદાવાદ,નશાને કારણે પરિવારો બરબાદ થતાં હોય છે તેવી વાત તો તમે સાંભળી હશે. આવી એક ઘટના અમદાવાદમાં બની છે. જ્યાં પતિ નશો કરતો હોવાને કારણે મહિલાએ લગ્નના ચાર જ મહિનામાં આપઘાત કરી લીધો છે. પતિની નશાની ટેવને કારણે કંટાળી મહિલાએ આપઘાત કરી પોતાનું જીવન ટુંકાવી લીધું છે. જેના કારણે વટવા પોલીસે આપઘાત કેસમાં પતિ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
નશો કરવાની કુટેવ અને પત્નીને માર મારવાની આદતથી રઝીમ અન્સારીની પત્નીએ મોતને વહાલું કર્યું છે. ૪ માસ પહેલા સુખી લગ્ન જીવનના સપના સાથે બિહારની રિઝવાના ખાતુનએ રઝીમ અન્સારી સાથે લગ્ન કર્યા હતા. બિહારથી ૮ એપ્રિલના રોજ અમદાવાદ રહેવા આવી હતી.પતિ સાથે સુખમય જીવન જીવે તે પહેલાં જ પતિ રઝીમના ગાંજો પીવાની ટેવે તેના દાંપત્ય જીવનને કચડી નાખ્યું છે. પતિના નશાની કુટેવથી રિઝવાનાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. જેને લઈને રિઝવાના પરિવારે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી રઝીમ અન્સારીની ધરપકડ કરી છે. અને ૪ માસ પહેલા બન્નેના જ્ઞાતિના રીતરિવાજથી લગ્ન થયેલા. પણ ૮ એપ્રિલે આ દંપતી અમદાવાદના વટવા વિસ્તારમાં રહેવા આવ્યું જ્યાં રઝીમ અન્સારી ઇસનપુરમાં બાલાજી એસ્ટેટમાં કાપડની દુકાનમાં નોકરી કરતો પરંતુ તેને ગાંજો પીવાની ટેવ હતી. ૧૮ એપ્રિલની રાત્રે રઝીમ ગાંજો પીને ઘરે આવ્યો ત્યારે રિઝવાનાએ નશો કરવાનું બંધ કરવાનું કહેતા રઝીમે મોબાઈલ તોડી નાખ્યો અને પત્ની રિઝવાનાને માર માર્યો. રઝીમને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે નશો કરતો હતો. જેથી કંટાળીને રિઝવાનાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.
નશાની આદતએ ફરી એક પરિવાર વિખેરાયો છે. લગ્ન જીવનની સુખી શરૂઆત થાય તે પહેલાં નશાના કારણે અંત આવી ગયો. પત્ની આપઘાત કરી લેતા વટવા પોલીસે આરોપી પતિ રઝીમ અન્સારી વિરૂદ્ધ આત્મહત્યાના દુષપ્રેરણનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.