ગાંધીનગરના કુડાસણની એક પરિણીતા પાસે પતિ કેનેડા જવા માટે રૂપિયા માગતો હતો. તેને શારીરિક અને માનસિક ત્રાસ આપી પતિએ તરછોડી દેતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 12 વર્ષની દીકરીનું માઈન્ડવોશ કરીને દીકરીને પણ બોલતી બંધ કરી દીધી હોવાનો આરોપ લગાવ્યો છે. પતિ નાની-નાની વાતો પર પત્નીને ટોર્ચર કરતો હતો અને ઘણીવાર મારઝૂડ પણ કરતો હતો. એટલું જ નહીં, તે ઘર ખર્ચનાં પૈસા માંગે એટલે તું તો ઘરની લક્ષ્મી છે, લક્ષ્મીને પૈસાની શું જરૂર કહી મારતો હતો. ઉપરાંત પરસ્ત્રીઓ સાથે તે દિલ્હી અને દુબઈ ફરવા જતો હતો.
છેલ્લા છ મહિનાથી પિયરમાં રહેતી 38 વર્ષીય પરિણીતા સેક્ટર – 25 જીઆઇડીસીમાં પ્રાઈવેટ નોકરી કરે છે. જેનાં લગ્ન સમાજના રીતરિવાજ મુજબ મૂળ પાટડીના દરબારગઢનાં અને હાલમાં સરગાસણ રહેતા યુવક સાથે કરવામાં આવ્યા હતા. આ લગ્ન જીવનથી દંપતીને સંતાનમાં બાર વર્ષની એક દીકરી છે. લગ્ન પછી પરિણીતા પતિ સાથે રહેવા ગઈ હતી. લગ્નના એકાદ વર્ષ દરમિયાન પતિ નાની-નાની બાબતોમાં ટોર્ચર કરી ગુસ્સે થઈ મારઝૂડ કરવાનું ચાલુ કર્યું હતું. જેના કારણે તે ગર્ભવતી હોવા છતાં પતિએ પેટમાં મારતા મીસકેરજ પણ થઈ ગયું હતું.
મારઝૂડ વચ્ચે શરૂઆતનુ લગ્ન જીવન હોવાથી પરિણીતાએ મૂંગા મોઢે ત્રાસ સહન કરે રાખ્યો હતો. બાદમાં દંપતી વાવોલ રહેવા આવ્યું હતું. અહીં તેણીએ દીકરીને જન્મ આપ્યો હતો. તે સમયે પણ પતિ નાની-નાની બાબતમાં મેણાંટોણાં મારી વાંધા કાઢી, શક વહેમો કરી શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. જે બાબતે સામાજિક રાહે પણ પતિને સમજાવવામાં આવ્યો હતો. પરંતુ તેના સ્વભાવમાં કોઇ ફેર પડ્યો ન હતો.
પતિએ ઘરમાં પૈસા આપવાનું પણ બંધ કરી દીધું હતું. જેથી પરિણીતા પૈસાની માંગણી કરે તો પતિ કહેતો કે, તું તો ઘરની લક્ષ્મી છે, લક્ષ્મીને પૈસાની જરૂર ન હોય તેમ કહી ઢોરની માફક મારઝૂડ કરતો હતો. તેમ છતાં દીકરીના લીધે પરિણીતાએ ઘરસંસાર બચાવવા પ્રયત્ન ચાલુ રાખ્યા હતા. પરંતુ પરિણીતા ઘર ખર્ચના પૈસા માંગે તો પતિ ઘરમાં ખાતી નથી એમ કહીને હાથ અધ્ધર કરી લેતો હતો અને કેનેડા જવા સાસરીમાંથી પૈસા લઈ આવવા ટોર્ચર કર્યા કરતો હતો.
આથી પતિ કોઈ કામધંધો કરતો ન હોવાથી પરિણીતાએ નોકરી ચાલુ કરી હતી. જે બાબતે પણ પતિ શંકાઓ કરી ત્રાસ આપતો હતો. એટલું જ નહીં, પરસ્ત્રીઓ સાથે દિલ્હી તેમજ દુબઇ ફરવા ગયો હતો. જે અંગે પરિણીતા કંઇપણ પૂછે તો માફી માગતો અને માફી ન મળે તો ગળું દબાવી દેતો હતો. આટલું ઓછું હોય એમ તેણે દીકરીનું માઇન્ડ વોશ કરી પરિણીતાને વાતચીત પણ કરવા નહીં તરછોડી દીધી હતી. આ અંગે મહિલા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.