પતિ દારૂ પીને ધરાર સંબંધ બાંધી સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરતો, પોલીસે પરિણીતાને કહ્યું, ‘માત્ર ત્રાસની ફરિયાદ જ લઇશું’

રાજકોટ,

ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતી પરિણીતાની કથની પતિ બે દીકરીની હાજરીમાં કપડાં કાઢીને આંટા મારતો, બેડ પર લઘુશંકા કરતો સાહેબ રાત પડે અને હું ધ્રુજવા લાગતી, હમણા મારો પતિ મારા પર શારીરિક અત્યાચાર ગુજારશે, અમાનવીય કૃત્ય કરશે અને તેના વિચારોથી હું ફફડતી, તે દારૂ પી ઘરે આવતો અને બળજબરીથી મારી સાથે શરીરસંબંધ બાંધતો, સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરતો, દિવાળીના સમય પર તો મને ત્રણ દિવસ રૂમમાં પૂરીને ઢોરમાર માર્યો હતો, બી. ડિવિઝન પોલીસે આવીને મને છોડાવી હતી, મહિલા પોલીસ સ્ટેશને હું બે મહિનાથી ધક્કા ખાવ છું, પરંતુ તે પોલીસ માત્ર ત્રાસની ફરિયાદ નોંધવાની જ વાત કરે છે, મારો પતિ મારી સાથે દુષ્કર્મ આચરતો, સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરતો તે ફરિયાદ નહીં નોંધાય તેમ કહી મને કાઢી મૂકવામાં આવે છે, આ વ્યથા ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતી એક પરિણીતાની છે.

ભાવના (નામ બદલાવેલ છે) ૩૭ વર્ષની પરિણીતા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઇ, હારી થાકીને દિવ્ય ભાસ્કરે પહોંચી હતી, ભાવનાએ પોતાની વ્યથા વર્ણવતા કહ્યું હતું કે, અગાઉ તેના એક લગ્ન થયા હતા પરંતુ પતિએ તેની બીમારીની વાત છુપાવી હોય ત્રણ મહિનામાં જ છૂટાછેડા થઇ ગયા હતા, બીજા લગ્ન ભાવેશ સાથે જાન્યુઆરી ૨૦૧૦માં થયા હતા, લગ્ન જીવન દરમિયાન બે પુત્રીની પ્રાપ્તિ થઇ હતી, એક પુત્રી ૧૨ વર્ષની અને બીજી ૯ વર્ષની છે. લગ્ન થયાના બે મહિના બાદ જાણ થઇ હતી કે, પતિ ભાવેશને દારૂનો નશો કરવાની કુટેવ છે, આ અંગે સાસુ-સસરાને વાત કરી તો તેણે ભાવેશનો પક્ષ લીધો હતો.

છેલ્લા એકાદ વર્ષથી પતિ ભાવેશનો ત્રાસ અસહ્ય બન્યો છે, દારૂનો નશો કરી તે ઘરે આવતો અને મારી બંને પુત્રીની હાજરીમાં મારી સાથે ધરાર શરીરસંબંધ બાંધતો હતો, નશામાં તે ભાન ભૂલતો અને શરીરમાં બચકાં ભરતો, દુષ્કર્મ આચરતો, સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરતો હતો.તમામ કપડાં કાઢીને દીકરીઓની હાજરીમાં ઘરમાં આંટા મારતો હતો, બેડ પર લઘુશંકા કરતો.

દિવાળીના તહેવાર પર તા.૨૫થી ૨૮ ઓક્ટોબર દરમિયાન ત્રણ દિવસ સુધી મને રૂમમાં ગોંધી રાખીને ઢોરમાર માર્યો હતો, તા.૨૮ના વહેલી સવારે મોકો મળતા મેં મારા ભાઇને મોબાઇલમાં મેસેજ કરી મને મુક્ત કરાવવાનું કહેતા મારો ભાઇ અને બી. ડિવિઝન પોલીસ આવી હતી અને મને ભાવેશના સકંજામાંથી મુક્ત કરાવી હતી, ત્યારબાદ હું અને મારો ભાઇ મહિલા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, મેં મારી વ્યથા વર્ણવી અને તે મુજબ ફરિયાદ કરવાનું કહેતા પીએસઆઇ બેલીમે માત્ર ત્રાસની જ ફરિયાદ લઇશું, દુષ્કર્મ કે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય થયું તેવી કોઇ વાત ફરિયાદમાં લઇશું નહીં તેમ કહી મને કાઢી મૂકી હતી.

પરિણીતાએ કહ્યું હતું કે, ગૃહસંસાર બચાવવા હું મૂંગે મોઢે તેનો ત્રાસ સહન કર્યે જતી હતી. નશાને કારણે પતિ ભાવેશ ધંધા પર પણ પૂરું ધ્યાન આપતો નહોતો અને બે વખત દેણું થઇ જતાં મારા સસરાએ ખેતીની જમીન અને લેટ વેચી દેણું ચૂક્તે કર્યું હતું.