
મુંબઈ,
બોલીવુડ ફિલ્મ પઠાણના ગીત બેશરમ રંગ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે નવું અપડેટ સામે આવ્યું છે. સૂત્રો પરથી મળતી માહિતી પ્રમાણે હવે ફિલ્મ પઠાણ તાજેતરમાં સેન્સર બોર્ડમાં પરીક્ષા સમિતિ પાસે પ્રમાણપત્ર માટે ગઈ હતી. સીબીએફસીની માર્ગદશકા અનુસાર ફિલ્મને નજીકથી જોવામાં આવી હતી. આ કમિટીએ ફિલ્મ મેર્ક્સને કેટલાક ફેરફાર કરવાનુ સુચન આપ્યુ છે. આ ફેરફારોમાં ફિલ્મનું ગીત પણ સામેલ છે. આગામી વર્ષ ૨૦૨૩માં આવનારી ફિલ્મ પઠાણને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણના પહેલા ગીત ’બેશરમ રંગ’ પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. દીપિકા પાદુકોણની ’કેસરી બિકીની’ને લઈને રાજકારણ ગરમાયું હતું. આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી રહી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સટફિકેશનના અધ્યક્ષ પ્રસૂન જોશીએ ફિલ્મ પઠાણના ગીત ’બેશરમ રંગ’ પર થયેલા વિવાદ પર એક નિવેદન બહાર આપ્યુ છે. પ્રસૂન જોશીના જણાવ્યા અનુસાર, પરીક્ષા સમિતિએ ’પઠાણ’ના નિર્માતાઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ ફિલ્મમાં વિવાદાસ્પદ ગીત અને અન્ય ફેરફારો સહિત સૂચવેલા ફેરફારોમાં સુધારો કરી અને થિયેટરમાં રિલીઝ થાય તે પહેલાં સુધારેલ ફરીથી સબમિટ કરે. આ ઉપરાંત જોશીએ નિવેદનમાં જણાવ્યું હતું કે હંમેશા સર્જનાત્મક અભિવ્યક્તિ અને પ્રેક્ષકોની સંવેદનશીલતા વચ્ચે યોગ્ય સંતુલન જાળવવા માટે પ્રતિબદ્ધ છે અને માને છે કે તમામ હિતધારકો વચ્ચે અર્થપૂર્ણ સંવાદ દ્વારા, કોઈપણ વિવાદનો ઉકેલ શોધી શકાય છે. સર્જકો અને પ્રેક્ષકો વચ્ચે વિશ્ર્વાસ જાળવવો ખૂબ જ જરૂરી છે. આ માટે સર્જકોએ આ દિશામાં કામ કરવું જોઈએ.
પ્રસૂન જોશી દ્વારા પઠાણ ફિલ્મમાં કયા ફેરફારો સૂચવવામાં આવ્યા છે તે જણાવવામાં આવ્યું નથી. હવે ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે કે શું બદલાવ આવ્યા છે. ’બેશરમ રંગ’ ગીતમાં દીપિકાની બિકીનીનો રંગ બદલાય છે કે પછી સીન એડિટ કરવામાં આવે છે તે જોવાનું રહેશે. કારણ કે મોટા ભાગનો વિવાદ આ મુદ્દે થયો છે.