મુંબઈ,
શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ તથા જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ’પઠાન’ ૨૫ જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. આ ત્રણેય કલાકારોએ યશરાજ બેનર પાસેથી ભારે ભરખમ ફી વસૂલી છે. દીપિકાએ ૧૫ કરોડ તો જ્હોને ૨૦ કરોડ રૂપિયાની ફી લીધી છે. ’પઠાન’માં સલમાન ખાનનો સ્પેશિયલ રોલ છે. જોકે, ચર્ચા છે કે સલમાને ફી લેવાની ના પાડી દીધી હતી. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. સિદ્ધાર્થ આનંદ એક્શન ફિલ્મ માટે જાણીતા છે. તેમણે આ પહેલાં ’બેંગ બેંગ’ તથા ’વૉર’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી છે. સૂત્રોના મતે આ ફિલ્મના ડિરેક્શન માટે સિદ્ધાર્થ આનંદને છ કરોડ રૂપિયા મળ્યા છે.
ફિલ્મમાં ડિમ્પલ કાપડિયાએ પણ મહત્ત્વનો રોલ ભજવ્યો છે. સૂત્રોના મતે, ડિમ્પલે ફિલ્મમાં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ ઓફિસરની ભૂમિકા ભજવી છે. જોકે, ડિમ્પલે આ માટે કેટલી ફી લીધી તે વાત હજી સુધી સામે આવી નથી. ફિલ્મમાં આશુતોષ રાણા રૉ ઓફિસરના રોલમાં છે. હૃતિક તથા ટાઇગરની ફિલ્મ ’વૉર’માં પણ આશુતોષે આ જ રોલ પ્લે કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શાહરુખ ખાનને આ ફિલ્મ માટે ૧૦૦ કરોડ રૂપિયા મળ્યા છે. ’પઠાન’ ઉપરાંત જૂન મહિનામાં શાહરુખની ’જવાન’ તથા ડિસેમ્બરમાં રાજકુમાર હિરાનીની ’ડંકી’ રિલીઝ થશે. શાહરુખ છેલ્લે ૨૦૧૮માં ’ઝીરો’માં જોવા મળ્યો હતો. તેણે ’બ્રહ્મા’ તથા ’રોકેટ્રી’માં કેમિયો રોલ કર્યા હતા. શાહરુખ ખાન ’ડંકી’નું શૂટિંગ પૂરું કરીને મક્કા ગયો હતો. અહીંયા તેણે ઈસ્લામી તીર્થ યાત્રા ઉમરાહ કર્યા હતા. ત્યારબાદ ૧૧ ડિસેમ્બરે વૈષ્ણોદેવીના મંદિરે ગયો હતો.