મુંબઇ, શાહરુખ ખાનનું કહેવું છે કે ’પઠાન’, ’જવાન’ અને ’ડંકી’ને કારણે તેને પોતાના પર વિશ્ર્વાસ બેઠો છે. શાહરુખે તેની ’ડંકી’ની સફળતાને લઈને યશરાજ સ્ટુડિયોમાં એક ફૅન મીટિંગ રાખી હતી. આ ઇવેન્ટમાં તેણે તેના ફૅન્સ સાથે વાતો કરી હતી. શાહરુખે ૨૦૨૩માં ’પઠાન’, ’જવાન’ અને ’ડંકી’ એમ ત્રણ ફિલ્મો આપી હતી. આ તમામ ફિલ્મો ખૂબ જ હિટ રહી હતી અને એણે ઘણા રેકૉર્ડ કર્યા હતા.
આ ફિલ્મને દેશવિદેશમાં પસંદ કરવામાં આવી હતી. જોકે એ પહેલાં શાહરુખ ચાર વર્ષથી ગાયબ હતો. તેની ‘ઝીરો’એ જોઈએ એવો બિઝનેસ નહોતો કર્યો. આ ઇવેન્ટમાં એક ફૅને શાહરુખને ફરી ચાર વર્ષ સુધી ગાયબ ન થવા માટે વિનંતી કરી હતી.ત્યારે જવાબ આપતાં શાહરુખે કહ્યું કે ‘હું છેલ્લાં ૩૩ વર્ષથી કામ કરી રહ્યો છું. મોટા ભાગે તમે તમારા કામ દરમ્યાન નર્વસ થાઓ એ સ્વાભાવિક છે. તમે એવું વિચારો છો કે મેં ફિલ્મ તો યોગ્ય પસંદ કરી છેને. આ પહેલાં મારી કેટલીક ફિલ્મો નહોતી ચાલી.
આથી હું વિચારતો હતો કે હું સારી ફિલ્મો નથી બનાવી રહ્યો. મારી ફિલ્મો ‘પઠાન’, ‘જવાન’ અને ‘ડંકી’ને લોકોએ જે પ્રેમ આપ્યો છે એના કરતાં વધુ તેઓ મને તેમના દિલમાં સાથે લઈને ગયા છે. તેઓ હવે કહી રહ્યા છે કે ચાર વર્ષ સુધી ગાયબ ન થઈ જતા, બે-ત્રણ મહિના ચાલી જશે. હું તમારો, દુનિયાભરના દર્શકોનો આભાર માનું છું કે તેમણે મને એહસાસ કરાવ્યો છે કે હું જે કરી રહ્યો છું એ સાચું છે અને એ હું કરતો રહીશ. ‘પઠાન’, ‘જવાન’ અને ‘ડંકી’ને કારણે મને મારા પર ફરી વિશ્ર્વાસ બેઠો છે કે હું જે કરી રહ્યો છું એ બરાબર છે.’