અમદાવાદ, અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪ પ્રારંભ થયો છે. આ પતંગ મહોત્સવ ૧૪ જાન્યુઆરી ઉત્તરાયણનાં દિવસ સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે હવે ઉત્તરાયણ નજીક આવતા અમદાવાદના પતંગ બજારમાં લોકોની ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે. શહેરના પતંગ રસિકો દિલ્લી દરવાજા પતંગ બજારમાં ખરીદી કરવા પહોંચ્યા છે.
ઉત્તરાયણ પહેલાં છેલ્લી રજા હોવાથી પતંગ રસિકોએ ખરીદી માટે ભારે ભીડ કરી છે. પતંગના ભાવમાં ગત વર્ષની તુલનામાં ૨૫થી ૩૦ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે એક કોડીના ૮૦થી ૯૦ રૂપિયાની સરખામણીએ આ વર્ષે ૧૫૦ રૂપિયા થયા છે. ભાવ વધવાની શક્યતાએ એક સપ્તાહ અગાઉ પતંગ રસિકોએ ખરીદી શરૂ કરી છે. સફેદ ચીલ, ડિઝાઈનવાળી ચીલ, મોટા પતંગ પણ આકર્ષણના કેન્દ્ર બન્યા છે.
ગીન ચીલ મોટી સાઇઝ ૧૦૦ રૂપિયા કોડી જ્યારે ડિઝાઇન વાળી ચીલ ૧૨૦ રૂપિયાની કોડી અને સફેદ ચીલ ૮૦ રૂપિયાની કોડીનો ભાવ ચાલી રહ્યો છે. મોટા પતંગ ફૂલ સાઇઝ ૧૫૦નાં પાંચ નંગ અને અડધિયા પતંગના રૂપિયા ૧૬૦નાં કોડી જ્યારે ગયાં વર્ષે પતંગનો ભાવ એંસી નેવું ભાવ હતો. છેલ્લા દિવસોમાં ૧૫૦ રૂપિયા ભાવ થવાની શક્યતા છે.
ઉત્તરાયણને લઈ રાજ્યના વિવિધ શહેરોમાં પણ ખરીદીની ભીડ જામી છે. પતંગ-માઝા તેમજ હોર્ન જેવી વસ્તુઓની ભારે ખરીદી જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ કાઈટ ફેસ્ટિવલમાં ૫૫ દેશનં ૧૫૩ આંતરરાષ્ટ્રીય પતંગબાજો તેમજ ૧૨ રાજ્યનાં ૬૮ રાષ્ટ્રીય પતંગબાજો તો ગુજરાતનાં ૨૩ શહેરનાં ૮૫૬ પતંગબાજોએ ભાગ લીધો છે. રાજ્ય સરકાર દ્વારા કુલ પાંચ જગ્યાએ પતંગ મહોત્સવનું આયોજન કર્યું છે. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને વડનગરમાં પણ પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે.