રાજધાની પટનાથી મંગળવારે (૧૬ જુલાઈ) સવારે માર્ગ અકસ્માતની એક મોટી ઘટના સામે આવી છે. પટનાના બખ્તિયારપુરમાં સ્કોર્પિયો અને ટ્રક વચ્ચેની જોરદાર અથડામણમાં છ લોકોના મોત થયા હતા. માહિતી મુજબ નવાદા જિલ્લાના હિસુઆના એક જ પરિવારના લોકો સ્કોપયોમાં ઉમા ઘાટ પર ગંગામાં સ્નાન કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
માહિતી મુજબ સ્કોર્પિયોમાં ડ્રાઈવર સાથે મહિલા અને પુરુષ સહિત કુલ ૧૧ લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન બખ્તિયારપુરના બિહાર શરીફ-બખ્તિયારપુર મોકામા રોડ વળાંક પર આવેલા માનસરોવર પેટ્રોલ પંપ પાસે રોડ પર પાર્ક કરેલી ટ્રક સાથે પૂરપાટ ઝડપે જઈ રહેલી સ્કોર્પિયોએ ટક્કર મારી હતી. આ ઘટનામાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
સાત ઘાયલ લોકોને પહેલા બખ્તિયારપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં એક મહિલાનું મોત થયું હતું. જે બાદ તમામને પટનાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં વધુ એક મહિલાનું પટના જતી વખતે મોત થયું હતું. ઘટનાની માહિતી મળતાં જ બખ્તિયારપુર પોલીસ સ્ટેશન અને સબ ડિવિઝન પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ડીએસપીએ જણાવ્યું કે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા, અન્યને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઘટના વિશે એવું કહેવાય છે કે હિસુઆના એક જ જૂથના લોકો બે વાહનોમાં નવાદાથી બાર ઉમાઘાટ માટે નીકળ્યા હતા. જે સ્કોપયોમાં અકસ્માત સર્જાયો હતો તે સ્કોપયોનો ચાલક ખૂબ જ ઝડપે ગાડી હંકારી રહ્યો હતો, વહેલી સવારનો સમય હતો અને ડ્રાઈવરને ઝોંકા આવતા હોવાના કારણે તે ટ્રક સાથે અથડાઈ હતી. હાલ આ મામલાની તપાસમાં પોલીસ વ્યસ્ત છે.