પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીના આકસ્મિક મોત બાદ તપાસ કરાતા મૃતક વિદ્યાર્થી સહિત અન્ય જુનિયર વિદ્યાર્થીઓનું સિનિયર્સ દ્વારા રેગિંગ કરાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે ધારપુર મેડીકલ કોલેજના 15 સિનિયર સ્ટુડન્ટ્સ સામે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તો બીજી તરફ કોલેજ દ્વારા તમામ 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ થયાનું સ્પષ્ટ થયા બાદ કોલેજના સત્તાધીશો બચાવ કરતા કહ્યું હતું કે, અમારા દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને સમયાંતરે રેંગિંગ બાબતે જાગૃત કરવામાં આવે છે. જો કે, તેમ છતાં રેગિંગના કારણે એક વિદ્યાર્થીનો જીવ જતા સવાલો ઉઠ્યા છે.
શનિવારે રાત્રે પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કોલેજમાં દોડી આવી હતી. યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી હતી. ત્યારબાદ તાત્કાલીક એન્ટિ રેગિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં જુનિયર વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવતા રેગિંગ થયાનું સામે આવ્યું હતું.
ડીવાયએસપી કે.કે.પંડ્યાએ જણાવ્યું હતું કે, ધારપુર મેડિકલ કોલેજમાં જે બનાવ બનેલ છે તે અનુસંધાને બાલીસણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી હતી. તપાસમાં રેગિંગ થયાનું ખૂલ્યું છે. બીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજના કોમનરૂમમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યાં બળજબરીપૂર્વક ગીત ગાવાની અને ડાન્સ કરવાની ફરજ પાડી હતી. જુનિયર વિદ્યાર્થીઓને સતત સાડા ત્રણ કલાક ઉભા રાખવામાં આવ્યા હતા.સતત માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવતા અનિલ નામનો વિદ્યાર્થી પડી ગયો હતો અને બાદમાં તેને સારવાર માટે ખસેડાતા મોત નિપજ્યું હતું.
ધારપુર મેડિકલ કોલેજના ડીન હાર્દિક શાહે જણાવ્યું હતું કે, તપાસ રિપોર્ટમાં સામે આવ્યા મુજબ સિનિયર સ્ટુડન્સ દ્વારા જુનિયરને બોલાવી ઈન્ટ્રોડકશન આપવા કહ્યું હતું. કોઈ મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું નથી. શનિવારે રાત્રે હોસ્ટેલમાં રાત્રે બનાવ બન્યો હતો. હોસ્પિટલમાં સારવાર આપી તેને બચાવી શક્યા નહીં. અમે અડધા કલાકમાં પોલીસને જાણ કરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જાણવા મળ્યું કે, સિનિયર સ્ટુડન્ટ્સ હતા તેની સાથે ઈન્ટ્રોડકશન ચાલી રહી હતી. રજૂઆતના આધારે રેગિંગનો બનાવ છે કે નહીં તેના માટે અમારી એન્ટિ રેંગિગ કમિટી છે તેની બેઠક કરી તેમાં 27 સ્ટુડન્ટના સ્ટેટમેન્ટ લીધા તેના આધારે 15 સ્ટુડન્ટ્સને સસ્પેન્ડ કર્યા છે.
આ ઘટનામાં રેંગિગ પહેલાની ચેટ પણ સામે આવી હતી. વોટ્સએપ ગ્રુપ થયેલી ચેટમાં વિદ્યાર્થીઓને શહેર અને વિસ્તાર પ્રમાણે બોલાવીને રેગિંગ કરવાની શંકા દર્શાવાઇ રહી છે. જેમાં વિદ્યાર્થીઓ પાસે ગ્રુપમાં કરાયેલ મેસેજ ડીલીટ કરાવવામાં આવ્યા છે અને અન્ય વિદ્યાર્થીઓ પણ રેગિંગનો ભોગ બન્યાની શંકાઓ ઉભી થઇ છે.
આ અંગે એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે સાડાઆઠ વાગ્યે અમને રૂમમાં બોલાવવામાં આવ્યા હતા. જેનો મેસેજ વ્હોટ્સએપમાં આવ્યો હતો. અમે ગયા ત્યાં અમને ક્યાંથી છો વગેરે પૂછ્યું હતું. આ બાદ અમને બેસાડી દેવામાં આવ્યા હતા. એ બાદ એક અન્ય સિનિયર આવ્યા હતા, જેમણે અમને ત્રણ કલાક જેટલા ઊભા રાખ્યા હતા અને ઘણા સવાલો પૂછ્યા હતા. આ દરમિયાન અમને ડોક નીચે રાખીને ઊભા રહેવા કહ્યું હતું અને એકદમ કડકાઇથી અમને બધું પૂછવામાં આવ્યું હતું. આ દરમિયાન અમારો સાથી વિદ્યાર્થી ઢળી પડ્યો હતો, જેને અમે હોસ્પિટલ લઇ આવ્યા હતા.