પાટણ રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખારિયા પુલ નજીક એસટી બસ-ટ્રક વચ્ચે ભીષણ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર સહિત કુલ ૪ વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા છે. તો અકસ્માતમાં ૧૦ જેટલા લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આણંદથી રાપર જતી બસની ટ્રક સાથે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બન્ને વાહનોના ટ્રક અને ડ્રાઈવર મળી કુલ ૪ ના મોત નિપજ્યા છે. તો અન્ય ૮ થી ૧૦ જેટલાં મુસાફરો ઘાયલ થયા છે.
અકસ્માતને લઇ હાઇવે પર ચક્કજામની સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માતની જાણ થતા જ ઈમર્જન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ક્રેનની મદદથી એસટી બસને માર્ગ પરથી ખસેડવાની કામગીરી શરુ કરાઈ હતી.
તો બીજી તરફ, ઘાયલોને પાટણ ધારપુર હોસ્પિટલ અને રાધનપુર રેફરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને લઇ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા.મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃતકની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.