પાટણ: પાણી ભરવાની મોટરનો કરંટ લાગતા ત્રણ વર્ષના બાળકનું મોત

પાટણ, રાજ્યમાં હાલ ચોમાસું જામ્યું છે. ત્યારે વરસાદને કારણે અનેક અકસ્માતો પણ સર્જાઇ રહ્યા છે. પાટણના સમીમાં કરંટ લાગવાને કારણે ત્રણ વર્ષના બાળકનું મોત નીપજ્યુ છે. તરેરા ગામમાં ચાલુ મોટરને અડવાને કારણે કરંટ લાગવાને કારણે ત્રણ વર્ષના બાળક સાહિલનું મોત નીપજ્યુ છે. અચાનક બનેલા આ બનાવને કારણે પરિવારમાં માતમનો માહોલ છવાયો છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, સમી તાલુકાના તારોરા ગામના જોયતાજી ધારસિંહજી ઠાકોરને સંતાનોમાં બે દીકરા હતા. તેમને આ બે દીકરા પહેલા મોટી દીકરી પણ હતી જે ૧૦ વર્ષની થયા પછી બીમારીમાં મૃત્યુ પામી હતી. ત્યારપછી બે દીકરાઓ હતા. જેમાં મોટો ૫ વર્ષનો અને ત્રણ વર્ષનો સાહિલ.

જોયતાજી ઠાકોર મજૂરી કામે ગયેલા હતા. માતાને પણ બહાર ગામ જવાનું હતુ. જેથી તે પોતાના ૩ વર્ષના સાહિલને દાદી પાસે મૂકીને ગયા હતા. જોયતાજીનું મકાન ગામથી ઊંચા ટેકરા પર હોવાને કારણે ગ્રામપંચાયતનું પાણી પૂરતું આવતું નથી. જેના કારણે મોટર દ્વારા તેઓ પાઇપલાઇનમાંથી પાણી લે છે. સોમવારના રોજ દાદી મોટર ચાલુ કરી પાણી ભરી રહ્યા હતા. દાદી પાણી ભરેલું વાસણ અંદર મુકવા ગયા એટલામાં જ બાળકને કરંટ લાગી ગયો હતો.