
પાટણ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથની ૧૪૨ મી રથયાત્રાને લઈ મંદિર ટ્રસ્ટ્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રાની આમંત્રણ પત્રિકાને લઈ વિવાદ સર્જાયો છે. આમંત્રણ પત્રિકામાં પાટણનાં કોંગ્રેસનાં ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલ પરમારના નામની બાદબાકી કરતા વિવાદ ઉભો થવા પામ્યો છે.
પાટણ જગન્નાથ મંદિરનાં ટ્રસ્ટ્રી પિયુષ આચાર્ય દ્વારા આમંત્રણ પત્રિકામાં આ બંને નેતાઓના નામની બાદબાકી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ આમંત્રણ પત્રિકામાં ભાજપનાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને પાટણનાં ભાજપનાં સાંસદ ભરતસિંહ ડાભીનું નામ અને ફોટા તેમજ એક અભિનેત્રીનું નામ લખતા વિવાદ વધુ વકર્યો છે. ત્યારે આ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થતા ધારાસભ્ય કિરીટ પટેલનાં સમર્થકો દ્વારા આમંત્રણ પત્રિકાનો સોશિયલ મીડિયામાં વિરોધ કર્યો હતો. તેમજ જગન્નાથ મંદિરનાં ટ્રસ્ટ્રી પિયુષ આચાર્ય ધારાસભ્ય સાથે પૂર્વગ્રહ રાખતા હોવાનો આક્ષેપ કર્યો છે.