પાટણની પાપી મામીએ ૧૩ વર્ષની ભાણીનો બળાત્કાર કરાવ્યો

પાટણ, મહેસાણા જિલ્લાના પાટણમાંથી કલંક્તિ ઘટના સામે આવી છે. જેમાં સગી મામીએ ૧૩ વર્ષની ભાણીને તેના રિક્ષાચાલક પ્રેમીને સોંપીને દુષ્કર્મ કરાવ્યું હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. કિશોરીના મામાના હાથમાં મામીનો ફોન આવી જતાં ભાંડો ફુટ્યો છે. જે બાદ મામાએ મામી અને તેના પ્રેમી અક્ષય નટબજાણીયા સામે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે હેવાન મામી અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી છે.

પાટણ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, પાટણ શહેરના સૂર્યનગર વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની કિશોરી ગત ૦૩ ઓક્ટોબરના રોજ મામી આરતી પટણી સાથે રિક્ષામાં ફરવા ગઈ હતી. આ દરમિયાન પાટણની બાવાહાજી દરગાહથી આગળ અવાવરૂ જગ્યાએ રિક્ષાચાલકે રિક્ષા રોડની સાઈડમાં ઉભી રાખી હતી.

જે બાદ મામીએ કિશોરીને કહ્યું હતું કે તારે રિક્ષાચાલક અક્ષયની સાથે જવું પડશે અને તે જેમ કહે તેમ કરવું પડશે. જો તું આવું નહીં કરે તો હું અને અક્ષય થઈને તારા મામાની હત્યા કરી નાખીશું. જે બાદ કિશોરી ગભરાઈ ગઈ હતી અને રિક્ષાચાલક સાથે બાવળોની ઝાડીમાં ગઈ હતી. જ્યાં અક્ષયે તેની સાથે જબરજસ્તીથી દુષ્કર્મ આચર્યું હતું.

થોડા દિવસ બાદ આરતીનો ફોન તેના પતિના હાથમાં આવી જતાં આરતી અને તેના પ્રેમી અક્ષયની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. જે બાદ તેઓ સીધા પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે આરતી અને તેના પ્રેમી અક્ષય નટબજાણીયા સામે ફરિયાદ નોંધાવી હતી.