પાટણ: મોટાભાઇના મોતની ખબરના ૩૦ મિનિટમાં જ નાનાભાઇએ પણ આઘાતમાં જીવ છોડ્યો

પાટણ,

ન જાણ્યું જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું છે. પાટણમાંથી કાળજુ કંપાવી નાખતી એક ઘટના બની છે. જેમાં નાનો ભાઈ મોટાભાઈની જુદાઈ ન જીરવી શક્યો. મોટાભાઈનું હૃદયરોગના હુમલાથી મોત થયું અને મોતના સમાચાર સાંભળતા ૩૦ મિનિટમાં જ નાના ભાઈએ પણ પ્રાણ છોડી દીધા.

પાટણના લોટેશ્ર્વરમાં રહેતા પટેલ પરિવારમાં બે સગા ભાઈઓનાં મોત થયા છે અને બંનેની એક સાથે અર્થી ઉઠી છે. લોટેશ્ર્વરમાં રહેતા અરવિંદ પટેલ બેંકમાં ચેક ભરવા ગયા હતા અને બહાર આવીને ખુરશી પર બેઠા હતા. બાદમાં ઉભા થઈ ચાલતા ચાલતા રોડ પર જ ઢળી પડ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ પણ કેદ થઈ હતી. જોકે, અરવિંદ પટેલને હોસ્પિટલ લઈ જતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મોટાભાઈ અરવિંદના મોતના સમચારા સાંભળી નાના ભાઈ દિનેશ પટેલ દુકાનથી ઘરે આવ્યા હતા અને પરિવારને આશ્ર્વાસન આપી રહ્યા હતા કે કોઈ હિંમત ન હારતા બધુ સારું થઈ જશે, પણ તેવામાં દિનેશભાઈને પણ ગભરામણ થતા તેઓ પણ ઢળી પડ્યા હતા.

જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. પટેલ પરિવારમાં મોટભાઈના મૃતદેહને હોસ્પિટલથી ઘરે લવાયો હતો. તો બીજી તરફ નાના ભાઈ દિનેશને હોસ્પિટલ ખસેડાયા હતા. અરવિંદભાઈની અંતિમવિધિની તૈયારી ચાલતી હતી તે સમયે નાના ભાઈ દિનેશભાઈએ પણ હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધા હતા. મૃતક અરવિંદભાઇની ઉમર ૪૯ વર્ષ હતી, જેમને સંતાનોમાં એક દીકરી છે જે ૨૫ વર્ષની છે. જેના દોઢ વર્ષ પહેલાં જ લગ્ન થયા છે અને એક ૨૧ વર્ષનો દીકરો છે, જે અત્યારે અભ્યાસ કરે છે. જ્યારે દિનેશભાઇની ઉંમર ૪૫ વર્ષની હતી. જેને એક ૧૯ વર્ષનો દીકરો છે. આમ, ઓચિંતી બંને ભાઇઓએ એક્સાથે વિદાય લેતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે.