પાટણમાં શિક્ષકે વિદ્યાર્થીને થપ્પડ મારતાં કાનમાં ઇજા પહોંચી, અંતે શિક્ષક સામે ફરિયાદ

પટણા, પાટણમાં એક શિક્ષકે વિદ્યાર્થીને ગાલ પર લાફો માર્યા બાદ કાનનાં પડદામાં કાણું પડી જતાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ પાટણ શહેરની એક શાળામાં ૧૩ દિવસ પહેલા શિક્ષકે ધોરણ-૧૨નાં વિદ્યાર્થીને ડાબા ગાલ ઉપર તથા કાન ઉપર થપ્પડ મારતાં ડાબા કાનનાં પડદામાં કાણું પડી ગયું હતું. આ મામલે શિક્ષકે વિદ્યાર્થીનાં વાલીને ફરીયાદ ન કરવા અને સમાધાન કરવા ધમકી આપી હોવાનો પણ આક્ષેપ થયો છે.જેને લઈ વિદ્યાર્થીની માતાએ બી-ડીવીઝન પોલીસ મથકે નોંધાવતાં પોલીસે શિક્ષક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાટણની એક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને શિક્ષકે લાફો મારતા તેના કાનના પડદામાં કાણું પડી ગયાનું સામે આવ્યું છે. વિગતો મુજબ આ વિદ્યાર્થી રફ નોટમાં લખતો હોવાથી શિક્ષકે તેને કહેલ કે, તું રફ નોટમાં શું કામ લખે છે? જેથી વિદ્યાર્થીએ કહેલ કે, મારા પિતા સમાજમાંથી નવા ચોપડા મળશે એટલે નવા ચોપડામાં લેશન ફરીથી લખીશ. જોકે વિદ્યાર્થીએ આવું કહેતા જ શિક્ષકે ગુસ્સે થઇને વિદ્યાર્થીને ગાલ અને કાન પર થપ્પડ મારી હતી તેવો આક્ષેપ કરાયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ૯-૬-૨૩ નાં રોજ વિદ્યાર્થીએ સ્કૂલેથી ઘેર આવીને તેની માતાને આખી ઘટના જણાવી હતી. જેમાં કહેલ કે, શિક્ષક આંકડાશાનો પિરીયડ લેવા માટે આવ્યા હતા અને અભ્યાસક્રમ વિશે લખાવતા હોય તે મુજબ હું રફ નોટમાં લખતો હતો. આ દરમ્યાન સાહેબે મને કલાસમાં ઉભો કરીને તું રફ નોટમાં કેમ લખે છે?’ તેમ કહીને ગુસ્સે થઇને મને બે થપ્પડ મારી હતી. જેથી વિદ્યાર્થીને કાનમાં ચસ્કા આવતાં ને હવા નિકળતાં તેને દુ:ખાવો અને સોજો આવ્યો હતો. આ તરફ વિદ્યાર્થીનાં પિતા કોઈ કામ અર્થે મુંબઇ ગયેલા જે પરત આવતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં કાનમાં ઇજા થઇ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. આ બનાવ અંગે પોલીસે શિક્ષક સામે આઇપીસી ૩૨૫/૩૨૩/૫૦૬(૨) મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.