પાટણ,
ગુજરાતમાં ફરીથી રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. પાટણમાં સરસ્વતીના આઘર ગામમાં રખડતા ઢોરની અડફેટે ચાર મહિલાઓ આવી હતી. જેમાં બે મહિલાનાં મોત નીપજ્યા છે. જેયારે બે મહિલાઓ ઇજાગ્રસ્ત થઇ ગઇ છે. બંને ઘાયલ મહિલાઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી.
સરસ્વતીનાં આઘાર ગામમાં આંખલાની અડફેટે ચાર મહિલાઓ આવી ગઇ હતી. જેમાંથી બે મહિલાઓનાં કરૂણ મોત નીપજ્યા છે. ઇજાગ્રસ્ત મહિલાએ આ અંગે જણાવ્યુ કે, અમે વહેલી સવારે ગામમાંથી જતા હતા. એ દરમિયાન આંખલો ચાર જેટલી મહિલાઓ સામે ફરી વળ્યો હતો. જેના કારણે બે મહિલાના મોત નીપજ્યા છે. જ્યારે બે મહિલાઓ ઇજાગ્રસ્ત બની છે.
આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક વ્યક્તિએ રોષ વ્યક્ત કરતા જણાવ્યુ કે, રખડતા ઢોરનાં આતંકની આ પહેલી ઘટના નથી પરંતુ આ પહેલા પણ આવી ઘટના ઘટી છે. પરંતુ તંત્ર આ અંગે સજાગ થતુ નથી. અમારા ગામમાં જ ૩૦૦થી ૪૦૦ ઢોર રખડતા હોય છે.
આ દુર્ઘટના પહેલા ઓક્ટોબર મહિનામાં હાઇકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આ મામલે સરકારને ગંભીર સવાલો કર્યા હતા. ગુજરાત હાઈકોર્ટે સરકારને મીડિયાના અહેવાલ બતાવ્યા હતા. ન્યૂઝ પેપર બતાવી કામગીરી અંગે કોર્ટે સરકારને સવાલ કર્યો હતો. કોર્ટે પૂછ્યું હતું કે, તમારું કામ શું છે? જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, તમામ અધિકારીઓ હાજર છે. રખડતા ઢોર પર ટીમ સતત મોનિટરીંગ પેટ્રોલિંગ કરે છે. રાજ્યમાં સંબધિત તમામ વિભાગ મેહનતથી કામ કરતા હોવાની રાજ્ય સરકારે રજૂઆત કરી હતી. જેની સામે કોર્ટે જણાવ્યું હતું કે, લીધેલા નિર્ણય અને પગલાં માત્ર કાગળ પર છે.