પાટણમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ૪૦ લાભાર્થીઓએ એડવાન્સ હપ્તો મેળવી કામ જ શરૂ ન કર્યું

પાટણ શહેરમાં ઘરવિહોણા પરિવારજનોને પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકેલ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ બનાવવા માટે મંજૂરી આપવામાં આવેલ છે.અને આ મંજુરી સમયે લાભાર્થીના ખાતામાં એડવાન્સ રકમ રૂા.30 હજાર સરકાર દ્વારા જમા કરાવવામાં આવેલ પરંતુ કેટલાક લાભાર્થીઓએ એડવાન્સ હપ્તો મેળવ્યા બાદ આવાસ યોજનાનું કામ શરૂ નહિ કરતાં સરકાર દ્વારા એડવાન્સ હપ્તાની રકમ લાભાર્થીને આપવાનું બંધ કરી લાભાર્થી પોતાના આવાસનું કામ સ્વખર્ચે પાયા લેવલનું પૂણૅ કયૉ બાદ જ પ્રથમ હપ્તો તેના ખાતામાં જમા કરાવી ત્યારબાદ ક્રમશઃ બાધકામ મુજબ હપ્તા ચુકવવાનું નકકી કરવામાં આવ્યું છે.

પાટણ શહેરમાં અંદાજીત 1240 જેટલા લાભાર્થીઓએ કેન્દ્ર સરકારની આ પ્રધાનમંત્રી આવાસયોજનાનો લાભ લીધો છે. જે પૈકી એડવાન્સ રૂ. 30 હજાર નો હપ્તો મેળવી પોતાના આવાસનું કામ આજદિન સુધી શરૂ ન કરનાર લાભાર્થીઓના સર્વેની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરાતા પાટણ શહેરમાં 40 જેટલા લાભાર્થીઓએ એડવાન્સ હપ્તાની રકમ મેળવી આજદિન સુધી પોતાના આવાસનું કામ શરૂ નહીં કયુઁ હોવાનું ધ્યાને આવતાં સરકારના આદેશ મુજબ આવા લાભાર્થીઓ પાસેથી એડવાન્સ હપ્તાની રકમ પરત મેળવવા અને જો લાભાર્થી એડવાન્સ રકમ પરત ન કરે તો શરૂઆતમા તેનું નળ કનેકશન કાપી નાખવા અને ત્યારબાદ ભૂગૅભ કનેક્શન, વિજ કનેક્શન સહિત ની પ્રાથમિક સુવિધાઓ છીનવી લેવા સુધી ના પગલાં ભરવામાં આવશે તેવી લાભાર્થીઓને નોટિસ બજવણી કરવામાં આવી છે.

નોટિસની બજવણી બાદ 15 દિવસની સમય મયૉદામાં લાભાર્થી દ્રારા પોતાના એડવાન્સ હપ્તાની રકમ પરત કરવા અથવા નિયત કરેલ જગ્યાએ પોતાના આવાસનું કામ શરૂ કરવા સુચના આપવામાં આવી હોવાનું પાલીકાના સુત્રો તરફથી જાણવા મળ્યુ છે.