પાટણમાં પાણી કે પાણીમાં પાટણ, મહેસાણામાં એક દિવસમાં સાત ઇંચ વરસાદ

મોડી રાતથી ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બીજીતરફ હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી સાત દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. ગઈકાલે મહેસાણા જિલ્લામાં સૌથી વધારે ૭ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

પાટણમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ભારે વરસાદને પગલે લાખણી બજારમાં ભરાયા પાણી છે. ઘૂંટણ સમા પાણી ભરાતા રાહદારીઓ વાહનચાલકોની મુશ્કેલી વધી છે. કાંકરેજના શિહોરી, ખીમાણા, કંબોઈ,આંગણવાડા ,અરણીવાડા સહિત અનેક ગ્રામીણ પંથકમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સતત બે દિવસથી વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશી છવાઈ છે.

થરાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વાવણી લાયક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ખેતી માટે આ વરસાદી માહોલ આશીર્વાદરૂપ બન્યો છે. થરાદ વિસ્તારમાં ગઇકાલે ધોધમાર વરસાદને લઈને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે આજરોજ વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે ધીમી ધારે વરસાદનું ફરી આગમન થયું હતું.