પાટણમાં ફરી એક્સાથે ૪૫ લોકોનું ધર્મ પરિવર્તન, કેટલાંક ગામોનાં અનુસુચિત સમાજના લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

પાટણ, પાટણમાં હિન્દુ ધર્મમાં ફરી ગાબડું પડ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે. વાત જાણે એમ છે કે, પાટણ જિલ્લામાં ધર્મ પરિવર્તન અટકવાનું નામ નથી લઈ રહ્યું. વિગતો મુજબ તાજેતરમાં સરસ્વતી તાલુકાનાં લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે. જેમાં ૬ જેટલા ગામના ૪૦ થી વધુ લોકોએ ધર્મ પરિવર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે પાટણ કલેક્ટરે આ લોકોને જવાબ માટે બોલાવ્યા ત્યારે આ લોકોએ પોતાનો જવાબ પણ રજૂ કર્યો હતો.

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ગામોમાં ૬ જેટલા ગામના લોકોએ ધર્મપરિવર્તન કર્યું છે. વિગતો મુજબ સરસ્વતી તાલુકાના ચારુપ, વાસણી, વદાણી, વાગડોદ, કોઈટા અને કાનોસણ ગામનાં લોકોએ મોટી સંખ્યામાં ધર્મ પરિવર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકોએ હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. આ લોકોમાં મહિલા-પુરુષો અને બાળકોનો પણ સમાવેશ થાય છે.

ધર્મ પરિવર્તન કરનાર ગામોમાં આઝાદી બાદ પણ અનુસૂચિત સમાજના લોકો વરઘોડા ન નિકાળી શક્તા હોવાનું પણ આ લોકો જણાવી રહ્યા છે. આગેવાન બાબુલાલ રોહિતે જણાવ્યું હતું કે, ૨૧મી સદીમાં પણ પાટણ જીલ્લાનાં ગામોમાં અસ્પૃશ્યતા છે. અસ્પૃશ્યતા ભેદભાવ અને અસમાનતાથી કંટાળી અમે ધર્મ પરિવર્તન કર્યું છે. આ સાથે કહ્યું કે, બૌદ્ધ ધર્મમાં સમાનતા હોવાને કારણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે.