પાટણમાં પોલીસ કર્મી દારુની મહેફિલ માણતો ઝડપાયો છે. આમ તો પોલીસ દારુની બદીને અટકાવવા માટેનુ કાર્ય કરવાનુ હોય છે. પરંતુ પાટણમાં તો પોલીસ કર્મચારી જ ખુદ દારુની પાર્ટી માણતા હોવાનુ સામે આવ્યા છે. LCBને આ અંગેની બાતમી મળી હતી અને જેને લઈ ટીમે એક ખાનગી ગેસ્ટ હાઉસમાં દરોડો પાડ્યો હતો. ગેસ્ટ હાઉસમાં પોલીસ કર્મચારી કૃષ્ણપુરી ગોસ્વામી સહિત પાંચ લોકો દારુની મહેફિલ માણી રહ્યા હતા.
ASI કૃષ્ણપુરી ગોસ્વામી હાલમાં પાટણ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેમની સાથે અન્ય ચાર શખ્શો પણ ગેસ્ટ હાઉલમાં બેસીને દારુની મહેફિલ માણી રહ્યા હતા. એ દરમિયાન જ એલસીબીએ દરોડો પાડીને તેમને ઝડપી લઈને અટકાયત કરી હતી. એલસીબીએ તમામ પાંચેય જણાને ઝડપી લઈને પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.