પાટણમાં ૧૬૬ વિદ્યાર્થીઓ લાખોમાં છેતરાયા, ક્લાસીસ સંચાલકોનો ઠગાઇકાંડ

પાટણમાં કોમ્પ્યુટર ક્લાસીસનું રાતોરાત ઉઠામણું થઈ ગયાની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં  પાટણ શહેરમાં કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલકોએ વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ કરી રાતોરાત કલાસીસ બંધ કરી દેતા દેકારો બોલી ગયો છે. સંચાલકો રાત્રે જ બોર્ડ કૉમ્પ્યુટર સહિતનો સમાન લઈને ચાલ્યા ગયા હતા. જેને લઈને વાલીઓના પગ તળેથી જમીન સરકી ગઇ છે. જાણીએ સમગ્ર મામલો!

વાત એમ છે કે પાટણ શહેરનાં ગુંગડી તળાવ પાસે આવેલ અંબિકા શાક માર્કેટ નજીક ભાડાની દુકાનમાં સંજય પ્રજાપતિ અને ગૌરવ રાજપૂત નામના બે શખ્સોએ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર ક્લાસીસના ખોલ્યા હતા. ઓલ ઇન્ડિયા કોમ્પ્યુટર એજ્યુકેશનના નામે ચાર મહિના અગાઉ શરૂ કર્યું હતું. જેમાં 166 વિદ્યાર્થીઓ પાસેથી કોમ્પ્યુટર ક્લાસીસના નામે 8 લાખ રૂપિયાની ફી ઉઘરાવી લીધી હતી. ક્લાસીસ સંચાલકોએ વિદ્યાર્થીઓ પાસેથી 3000 થી 9000 સુધીની વસૂલી હતી.

બાદમાં વિદ્યાર્થીઓ શીખવા જતા હતા. આ દરમિયાન છેલ્લા એક મહિનાથી બંને સંચાલકો દુકાન માલિકને અંધારામાં રાખી એક મહિનાનું ભાડું ચૂકવ્યુ ન હતું. જ્યારે માલિકે ભાડાની માંગણી કરી તો કહ્યું કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે એટલે તમે કલાસીસ બંધ ન કરવો અમે ભાડું આપી દેશુ! આથી માલિકે માનવતા દાખવી હતી. જોકે આ દરમિયાન બને રાત્રે જ સામાન લઈ ક્લાસીસને તાળા મારી ફરાર થઈ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓની હાલત કફોડી બનવા પામી હતી. પોતાના બાળકો સાથે છેતરપિંડી થતા વાલીઓએ બંને સંચાલકો સામે પાટણ બી.ડિવિઝન પોલીસ મથકે નોંધાવતા પાટણ બી.ડિવિઝન પોલીસે ફરાર બંને સંચાલકોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.