વાડ જ ચીભડા ગળે તો પછી બીજા કોને કહેવા જવુ. આ શબ્દો છે પાટણની સ્પેશ્યલ પોક્સો કોર્ટના જજના. તેમણે ૨૦૧૮માં મહિલા પોલીસ કર્મચારીની ૧૧ વર્ષની સગીર દીકરી સાથે શારીરિક અડપલા કરી તેને છેડતી કરવાના કેસમાં પાટણની સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપી પોલીસ કર્મચારીને દોષિત ઠેરવીને ત્રણ વર્ષની સખત કેદ અને રૂ. ૩૫ હજારનો દંડ તથા દંડ ન ભરે તો વધુ કેદની સજા ફટકારી હતી.
પાટણની સ્પેશ્યલ પોક્સો કોર્ટનાં જજ સુનિલભાઈ એમ. ટાકેએ સજા ફટકારતાં જણાવ્યું હતું કે, આ કેસમાં બચાવ પક્ષની દલીલો ફરીયાદ પક્ષ તરફથી રજુ થયેલા મજબૂત પુરાવાઓનો છેદ ઉડાડવામાં સરેઆમ નિષ્ફળ રહ્યા છે. કોર્ટે વધુમાં જણાવ્યું કે, આરોપી ફરજ સમાજનાં પીડિત વ્યક્તિઓની મદદ કરવાની તેમજ ગુનો અટકાવવાની ફરજ હોવા છતાં પોતાના જ સાથી પોલીસ કર્મીની ૧૧ વર્ષની દિકરી ઉપર ખરાબ દૃષ્ટિ કરીને તેનું માનભંગ થાય તે રીતે તેની સાથે શારિરીક અડપલાં કર્યા છે.
પાટણ જિલ્લા પોલીસ હેડ ક્વાટર્સમાં આવેલા પોલીસ આવાસમાં રહેતી મહિલા પોલીસકર્મી બીજી એપ્રિલ ૨૦૧૮નાં રોજ પોતાની ફરજ પર હતા. ત્યારે તેણે તેની માતાને ફોન કરી ઘેર બોલાવીને જણાવ્યું હતું કે પહેલી એપ્રિલનાં રોજ ૧૧ વર્ષીય બાળકી તેનાં નીચે રમતા નાનાભાઈને લેવા નીચે જતાં આ જ કવાટર્સમાં રહેતા પોલીસકર્મી રામદેવસિંહ વાઘેલાએ પોતાનું બાઇક ઉભું રાખી કિશોરી બાળકીને પાસે બોલાવીને તેને શારીરિક અડપલાં કર્યા હતાં. બાળકીએ આરોપીને કહેલ કે, તમે આવું કેમ કરો છો? તેને દુ:ખાવો થાય છે. તેમ કહેતાં આરોપીએ બાળકીને રૂા.૧૦૦ આપીને કોઈને ન કહેવા જણાવતાં બાળકીએ રૂપિયા નીચે નાંખી દીધા હતા.
બાળકીએ આ સમગ્ર બાબત તેની માતાને જણાવતાં માતાએ તેનાં સહ પોલીસકર્મીને ફોન પર ઠપકો આપીને પડોશીઓને જાણ કરી હતી. પરંતુ પતિ બહારગામ બીજે નોકરી પર હોવાથી જાણ કરી નહોતી. આ બાબતે પીડિતાની માતા પોલીસકર્મીએ જે તે સમયે પી.ટી. પરેડ વખતે એસપીને રજૂઆત કરતાં તે અંગે પોલીસ અધિકારીએ નવ એપ્રિલ ૨૦૧૮ના રોજ તેની સાથે ચર્ચા કરીને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી ૩૫૪એ(૧)(૧) તથા એટ્રોસીટી એક્ટની કલમો તથા પોક્સો એક્ટની કલમો મુજબ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી.
પાટણની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં જજ સુનિલ એમ. ટાંકે આરોપી પોલીસકર્મીને મુખ્ય સજા તરીકે પોક્સો એક્ટ અંતર્ગત ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. ૨૫ હજારનો દંડ, એટ્રોસીટીની કલમોમાં ત્રણ-ત્રણ વર્ષની સખ્ત કેદ અને રૂા. પાંચ-પાંચ હજારનાં દંડની સજા ફટકારી હતી અને દંડની રકમમાંથી રૂા. ૨૫ હજાર પિડીતાને વળતર સ્વરૂપે આપવાનો આદેશ આપ્યો હતો. ને તે અંગે પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને પણ ભલામણ કરી હતી.