પાટણ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા લોકોની આરોગ્યની સુખાકારીમાં વધારો થાય અને આરોગ્યક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકોને ઝડપથી આરોગ્યની સુવિધાઓ મળે તે માટેના સતત પ્રયત્નો ચાલી રહ્યા હોય છે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા લોકોને પોતાના આરોગ્યની સારવારના ડોકયુમેન્ટ લઇને ફરવુ ન પડે તે માટે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ (આભા) ની સુવિધા શરુ કરવામાં આવી છે.
પાટણ જિ.પં.ની આરોગ્ય શાખા દ્વારા જિલ્લાના દરેક વ્યક્તિનુ ડીઝીટલ હેલ્થ એકાઉન્ટ (આભા) બનાવે તે માટે પાટણ જિલ્લામાં બનેલ આભા કાર્ડ છેલ્લા કેટલાક સમયથી તેનો પ્રસાર થઇ રહ્યો છે અને અત્યાર સુધી માં જિલ્લામાં કુલ ૧૩,૬૩,૩૨૮ના લક્ષ્ય સામે ૭,૧૭,૩૨૧ એટલે કે જિલ્લામાં અત્યાર સુધીમાં ૫૩ ટકા કામગીરી થઇ છે. હાલમાં આ કાર્ડ લોકો વધુમાં વધુ બનાવે તે માટેના પ્રયાસો આરોગ્ય તંત્ર દ્વારા થઇ રહ્યા છે તેમ આરોગ્ય તંત્રને સુત્રોએ જણાવ્યુ હતું.
સરકારના આરોગ્ય વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલ આભાકાર્ડની યોજનામાં વ્યક્તિ જાતે ઓનલાઇન પોતાનુ આભાકાર્ડ બનાવી શકશે. ગુગલ પર આભા બનાવો પર કલીક કરીને આધારકાર્ડ અથવા તો મોબાઇલ નંબર નાંખીને સરળતાથી કાર્ડ બનાવી શકાય છે. જે વ્યક્તિનો મોબાઇલ નંબર આધારકાર્ડ સાથે લીંક ન હોય તે વ્યક્તિ બાયોમેટ્રીક દ્વારા કાર્ડ બનાવવા નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ બનાવી શકે છે.
વ્યક્તિએ આભાકાર્ડ બનાવ્યા પછી જયારે તે કોઇ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જશે ત્યારે હોસ્પિટલ દ્વારા દર્દીનું આભા કાર્ડનો નંબર મેળવી કે સ્કેન કરીને દર્દીજે સારવાર લે છે તેની જે મેડીકલ રીપોર્ટ હોય છે તે તમામ માહીતી આભાના ડીઝીટલ એકાઉન્ટમાં રેકર્ડ કરવામાં આવશે. જેથી દર્દી ગમે ત્યારે હોસ્પિટલમાં જાય તો આભાકાર્ડ દ્વારા તેની તમામ માહીતી હોસ્પિટલને મળી શકશે.
આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઇ પટેલે જણાવ્યું હતું કે, હવે દરેક વ્યક્તિનુ ડીઝીટલ આભા એકાઉન્ટ બનશે. આ કાર્ડનો મહત્વનો કાયદો અકસ્માતના કેસમાં થશે. જયારે કોઇ વ્યક્તિનો અકસ્માત થયો હોય અને તેની સાથે તેની સાથે કોઈ ન હોય તેવા કિસ્સામાં જો તે વ્યક્તિ એ આભા કાર્ડ બનાવેલ હશે તો તે કાર્ડનો સ્કેન કરીને તેની તમામ માહીતી મેળવીને જેમ કે બ્લડ ગ્રૂપ કોઈ ગંભીર બીમારી છે કે કેમ તેની માહીતી મેળવીને ઝડપથી સારવાર મળી રહેશે.