પાટણ, હવામાન વિભાગની આગાહીને પગલે રવિવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેના કારણે જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં અફરા તાફરી મચી હતી. પવનના કારણે ઝાડ પડવાના બનાવો બન્યા હતા. તેમજ નીચનાવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વરસાદ વચ્ચે બે લોકોના મોત પણ થયા હતા.
બનાસકાંઠાના વરણ ગામના વતની અને સિધપુર તાલુકામાં રહેતો ઠાકોર વિકરામજી ગઈકાલે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારે જેમાં સિદ્ધપુર ઉમરું રોડ પર બાઈક સાથે ઉભો હતો, તે દરમિયાન પવન સાથે વરસાદ શરૂ થતાં ઝાડ પડવાથી યુવાનનું મોત થયું હતું. પોલીસે પંચનામું કરી તાપસ હાથ ધરી હતી.
પાટણ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ચાણસ્માં ૫૦ મીમી, પાટણ ૨૩ મીમી, હારીજમાં ૧૫ મીમી, સિદ્ધપુરમાં ૧૨મીમી, સરસ્વતી ૯ મીમી, સાંતલપુરમાં ૧ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સમી, રાધનપુર અને શંખેશ્ર્વરમાં વરસાદ વરસ્યો ન હતો. પાટણ જિલ્લામાં કમોસમી વરસાદથી યુજીવીસીએલના ૮૨ થાંભલા ઉખડી ગયા હતા.તેમજ ૨ માનવ મૃત્યુ અને ૭ પશુઓના મોત નોંધાયા હતા. આ ઉપરાંત મકાનોને નુક્સાન થયું હોવાનું ડિઝાસ્ટર વિભાગ દ્વારા જણાવ્યું હતું.
ચાણસ્મા તાલુકાના ઝીલિયા વાસણા ગામે વણકર ગોવિંદભાઈ ખાનાભાઈ ઉંમર વર્ષ અંદાજે ૫૫ વર્ષ પોતાના ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન એકદમ વીજ પોલ પડતા વીજ પોલ તૂટીને ગોવિંદભાઈ વણકર ઉપર પડતા ઘટના સ્થળે તેમનું કરુણ મોત થયું હતું. ઝીલીયા વાસણા ગામે વીજળી પડવાની ઘટનાને પગલે ૧૦૮ એમ્બ્યુલન્સ ની ટીમ ઇએમટી પૂજાબેન ગોસ્વામી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટના બન્યાને એક કલાક ઉપરાંત થયો હોવા છતાં ચાણસ્મા પોલીસ અને મામલતદાર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઘટના સ્થળે પહોંચી શક્યું ન હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું.
જયારે હારિજ તાલુકામા ગોવના ગામે વાવાઝોડા અને કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેમા સાંજના સુમારે ગામના દેસાઈ મોતીભાઈ મગનભાઈ પોતાની ૫ થઈ ૬ ભેંસો લઈ ચારો ચરાવી ઘરે આવી રહ્યા હતા ત્યારે જુના પાદર તળાવ નજીક પાંચ ભેંસો પૈકી એક ભેંસ સૌથી આગળ જઇ રહી હતી તે ભેંસ પર વીજળી પડતા પશુપાલકની નજર સમક્ષ વીજળીના ઝાટકા થી પડીને ત્યાંજ ભેંસ મોતને ભેટી હતી.
સિદ્ધપુર તાલુકામાં મોડી સાંજે હવામાન વિભાગની અગાહીને પગલે વાતાવરણમાં એકાએક પલટો આવી જતા ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. તેમજ ભારે પવનના કારણે વૃક્ષો પણ ધારાશાયી થયા હતા જેમાં સિદ્ધપુર તાલુકાના કાલેડા ગામે મકાનના પતરા ઉડ્યા હતા. જોકે પવનની ગતિ બહુ વધારે હોવાથી ગામના ખેડૂત કિરણજી શંકરજી રાજપૂતના ખેતરમાં આવેલ પશુઓ માટે બનાવેલ તબેલાના પતરા ઉડી ગયા હતા, જેને લઇ ખેડૂતને નુક્સાન થયું હતું. સદનસીબે ઓરડીમાં કોઈ વ્યકતિ ન હોવાથી મોટી જાનહાની થઈ ન હતી.