પાટણ, પાટણમાં ખનીજ માફિયા સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. આ ખનીજ માફિયાઓ સિદ્ધપુરના નેદરા ગામમાં રેતીનું વધારે ખોદકામ કર્યુ હતું. તેઓ બે લીઝમાં રોયલ્ટી કરતાં પણ વધારે પ્રમાણમાં રેતીનું ખોદકામ કર્યુ હતું.
ખાણ અને ખનીજ વિભાગે લીઝધારકોને આ માટે ૧૯.૯૦ કરોડ એટલે કે લગભગ ૨૦ કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જ્યારે એક લીઝધારકને આ વર્ષનો સૌથી મોટો કુલ ૧૩.૨૯ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ખોલવાડાના લીઝધારકને આ વર્ષનો સૌથી મોટો કુલ ૧૩.૨૯ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ખોલવાડામાં સોમાજી બાલુજી વણઝારાને વિભાગે ૧૩.૨૯ કરોડ રૂપિયાનો દંડ ભરવા નોટિસ આપી છે. ખોલવાડાના લીઝ ધારકે ૩,૯૨,૮૯૮.૬૫ મેટ્રિક ટન રેતીનું વધારે ખોદકામ કર્યુ હતુ.
આ ઉપરાંત નેદરા ગામના લીઝધારક લલિતભી વેલાભી પટેલને રૂ. ૬.૬૦ કરોડનો દંડ ભરવા નોટિસ પાઠવી છે. તેઓએ નેદરા ગામે લીઝમાં ૧,૯૫,૨૬૯.૨૦ મેટ્રિક ટન રેતીનું વધારે ખોદકામ કર્યું હતું. ખાણની લીઝના ધારકોને આ રીતે દંડ ફટકારવામાં આવતા લીઝધારકોમાં ભય વ્યાપી ગયો છે. એક રીતે ખનીજ માફિયા પર સરકારની તવાઈ જ બોલી છે.
સરકારે આ રીતે દંડ ફટકારીને મળેલી લીઝનો બેફામ ઉપયોગ કરનારા લીઝધારકો અને ખનીજ માફિયા પર રીતસરની લગામ નાખી છે. આ પ્રકારના જંગી દંડના લીધે તેઓ ભવિષ્યમાં હવે નિયત મંજૂરી કરતાં વધુ ઉપાડ નહીં કરે તેમ મનાય છે. જો કે સરકારના આ પગલાંનો હજી કેટલો અર્થ સરે તે જોવો જરૂરી છે.