
બિહારમાં વિધાનસભા પેટાચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિ તેજ છે. તમામ પક્ષો પોતપોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના વડા પશુપતિ પારસને મોટો ઝટકો લાગ્યો છે. તેમની પાર્ટીના વરિષ્ઠ નેતા સુનીલ પાંડે રવિવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા હતા. પાંડે ચાર વખત ધારાસભ્ય રહી ચુક્યા છે અને પોતાની દબંગ છબી માટે જાણીતા છે.
સુનીલ પાંડે તેમના પુત્ર વિશાલ પ્રશાંત સાથે ભાજપમાં જોડાયા હતા. ભાજપના પ્રદેશ અયક્ષ દિલીપ જયસ્વાલે પાંડેને પાર્ટીની સદસ્યતા આપી. પાંડે છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના નેતાઓના સંપર્કમાં હતા. એવી અટકળો ચાલી રહી છે કે ભાજપ તરરી બેઠક પરથી પાંડેના પુત્રને મેદાનમાં ઉતારશે. સુનીલ પાંડે મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડની ટિકિટ પર તરરી સીટથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
૨૦૧૫માં તેઓ જેડીયુ છોડીને એલજેપીમાં જોડાયા હતા. ૨૦૨૦ માં, તેઓ તરરીથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને બીજા સ્થાને આવ્યા. તેમણે ભાજપના કૌશલ કુમાર વિદ્યાર્થીને ત્રીજા સ્થાને ધકેલી દીધા હતા. તાજેતરમાં જ તેઓ પશુપતિ પારસ જૂથના આરએલએસપીમાં જોડાયા હતા. પરંતુ હવે તેઓ ભાજપમાં જોડાયા છે. સુનીલ પાંડેના કારણે જ પશુપતિ પારસ ભાજપ પાસે તરરી સીટની માંગણી કરી રહ્યા હતા.
સુનીલ પાંડે ભૂમિહાર જાતિમાંથી આવે છે અને તેમને મજબૂત નેતા માનવામાં આવે છે. તેની સામે ખંડણી, હત્યા સહિતના અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. કુખ્યાત આરા કોર્ટ બોમ્બ બ્લાસ્ટમાં પણ તેનું નામ સામે આવ્યું હતું. જો કે પુરાવાના અભાવે કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો.