મહેસાણા, લોક્સભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે દરેક જિલ્લાઓમાંથી વધુમા વધુ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામા આવતા હોય છે. ત્યારે મહેસાણામાં દૂધ સાગર ડેરી દ્વારા મતદાર જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.
મહેસાણા દૂધ સાગર ડેરી દ્વારા આ જાહેરાતથી આશરે ૫ લાખ જેટલા પશુપાલકો માટે જાહેરાત કરાઈ છે. મતદાનના દિવસે મતદાન કર્યાનું નિશાન બતાવનારને સીધો લાભ અપાશે. દૂધમાં પ્રતિ લીટર ૧ રૂપિયો વધારાનો ચૂકવી પશુપાલક મતદાતાઓને પ્રોત્સાહન અપાશે. દૂધ સાગર ડેરી સાથે ૧૫૦૩ દૂધ મંડળીઓ અને ૫ લાખ પશુ પાલકો જોડાયેલા છે. એક દિવસમાં અંદાજે ૩૦ લાખ રૂપિયા વધુ ચૂકવાશે. એટલું જ નહીં, દૂધ સાગર ડેરીએ દૂધ ભરાવવા આવતા પશુપાલકોને આપતી સ્લીપમાં પણ મતદાન જાગૃતિનો મેસેજ લખવામાં આવ્યો છે. જેના કારણે પશુપાલકોમાં મતદાન જાગૃતિ માટે અવેરનેસ આવી શકે. ૧૫૦૩ મંડળીઓ ઉપર દૂધસાગર ડેરીએ શપથ લેવડાવ્યા હોવાની પણ માહિતી છે. ૫ લાખ પશુપાલકો પાસે મતદાન કરવાના શપથ લેવડાવ્યા છે.