પશુઓના તબેલામાંથી માતૃશક્તિ-બાલશક્તિના ફૂડ પેકેટોના જંગી જથ્થો ઝડપાયો : L.C.Bએ એક ઈસમની અટકાયત કરી તપાસ હાથ ધરી.

ગોધરા એલ.સી.બી.શાખાની ટીમ દ્વારા મોડી સાંજે દેવ તલાવડી ખાતે આવેલા એક પશુઓના તબેલામાંથી કેન્દ્ર સરકાર દ્વારા સગર્ભા માતાઓ અને માસૂમ બાળકોમાં રહેલા કુપોષણને નાબૂદ કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવતા માતૃશક્તિ અને બાલશક્તિના ફૂડ પેકેટના અંદાજે 100 ઉપરાંત કટ્ટાઓ ઝડપી પાડતા જિલ્લા પંચાયતના આઈ.સી.ડી.એસ. કચેરીના વહીવટમાં ભારે સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.

સગર્ભા માતાઓ અને બાળકોને કુપોષણની સમસ્યાઓથી મુક્ત કરવાના કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી અભિયાન માટે વિનામૂલ્યે આપવામાં આવતા આ ફૂડ પેકેટનો જથ્થો પશુઓને ખવડાવવામાં આવતો હતો. આવો અતિગંભીર પ્રકરણનો પર્દાફાશ ગોધરા એલ.સી.બી.શાખાની ટીમે કરીને દેવ તલાવડી પાસે આવેલા ભેંસોના તબેલામાંથી અંદાઝે 100 ઉપરાંત જેટલા થેલાઓ ભરેલા માતૃશક્તિ અને બાલશક્તિના પેકેટોનો જંગી જથ્થો ઝડપી પાડીને કાયદેસર તપાસો હાથ ધરી હતી.

આ બનાવ સંદર્ભમાં પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે જરૂરી સૂચનાઓ એલસીબી શાખાના પીઆઈ એન. એલ. દેસાઈને આપી હતી. જે સૂચનાના આધારે એલસીબીના એએસઆઇ નાદીરઅલી નિઝામુદ્દીન અને એલસીબી શાખાની ટીમે ગોધરા દેવ તલાવડી ઢોલીવાડ રોડ ખાતે આવેલા ખેતરમાં રહેતા હુસેનભાઈ મહમદ પથા રહે.ગોહ્યા મહોલ્લા ઝમઝમ હોટલ પાછળ ગોધરાના તેના ખેતરમાં બનાવેલા તબેલામાં ગુજરાત સરકારના બાળ વિકાસ સેવા યોજનામાં ફોટીફાઈડ બ્લેન્ડેન્ડ કોમ્પોઝિટ ફૂટના પેકેટો ગેરકાયદેસર મેળવી તબેલામાં રાખવામાં આવેલા પશુઓના આહારમાં ગેરકાયદેસર ઉપયોગ કરે છે. તેવી બાતમીના આધારે બાતમી વાળી જગ્યામાંથી બાલશક્તિના થેલા નંગ 59 જેની કિંમત 5900 તેમજ માતૃશક્તિના થેલા નંગ 29 જેની કિંમત 2900 અને પૂર્ણ શક્તિના થેલા નંગ 46 જેની કિંમત 4600 મળી કુલ 13,400ના મુદ્દામાલ સાથે એક ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.