- દાહોદમાં પ્રતિષ્ઠિત શાળાને બદનામ કરવા ભૂતપૂર્વ વિદ્યાર્થીએ શાળાનો ફેક એકાઉન્ટ બનાવી વાંધાજનક પોસ્ટ વાઇરલ કરતા ચકચાર
દાહોદ, દાહોદ શહેરમાં એક પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીએ આગામી કારણોસર શાળાને બદનામ કરવાના ઇરાદે ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર શાળાનું ફેક આઈડી બનાવી તેના પર અશ્લીલ તેમજ વાંધાજનક પોસ્ટ વાયરલ કરતા શિક્ષણ આલમમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે, આ સમગ્ર મામલે દાહોદની સાઇબર ક્રાઇમ ની ટીમ પાસે પહોંચતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
આજના આધુનિક યુગમાં ઇન્ટરનેટના ફોરજી અને ફાઇવ જી ના જમાનામાં ખૂબ જ ડિજીટલ ક્રાંતિ આવી છે. પરંતુ જ્યારે કોઈ સુવિધા ઉભી થાય છે. ત્યારે તેના લાભ અને ગેરલાભ બંને હોય છે. આજના જમાનામાં સોશિયલ મીડિયાએ એવી ક્રાંતિ કરી છે.કે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ઘર બેઠા આંગળીના ટેરવે સમગ્ર દુનિયાની જાણકારી પળભરમાં પ્રાપ્ત કરી લે છે. પરંતુ આ ટેકનોલોજી નો જેટલો લાભ છે તેટલો નુકસાન પણ છે. આજની યુવાપીઢી પર પશ્ચિમી સંસ્કૃતિ પરવાન ચઢતા ટીનેજર્સ મૂળ ભારતીય સંસ્કૃતિને ભૂલતા જઈ રહ્યા છે. અધુરામાં પૂરો વારસામાં મળેલા સંસ્કાર અને સંસ્કૃતિનો ડૂચો વાળવામાં સોશિયલ મીડિયા મહત્વનો ભાગ ભજવ્યો હોય તેમ સ્ટાઇલિસ્ટ અને મોર્ડન દેખાવાના ચક્કરમાં ઘણી વખત સાયબર ક્રાઇમ કરી મૂકે છે, જે તેના માટે ઘણી વખત મુસીબત રૂપ બની જાય છે. તેવો જ એક કિસ્સો મધ્ય ગુજરાતના આદિવાસી બાહૂલ્ય ધરાવતા દાહોદ જીલ્લામાં બનવા પામ્યો છે. જેમાં દાહોદ શહેરમાં એક પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર શાળાને બદનામ કરવાના ઇરાદે શાળાનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તે આઈડી પર અસલી અને વાંધાજનક પોસ્ટ વાયરલ કરતા શાળા સંચાલકો અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ એક તબક્કે સ્તબ્ધ બની ગયા હતા. આખરે શાળા સંચાલકોએ આ મામલે દાહોદ સાયબર સેલમાં રજૂઆત કરતા સાઈબર સેલના પીઆઇ દિગ્વિજયસિંહ પઢીયારે ટેકનિકલ સોર્સના મદદથી શાળાનું ફેક આઈડી બનાવી અશ્લીલ પોસ્ટ ફરતી કરનાર વ્યક્તિને ઝડપી પૂછપરછ કરતા તે પણ થોડાક સમય પહેલા આ શાળામાં અભ્યાસ કરી ચૂક્યો હતો અને શાળા છોડ્યા બાદ કોઈક અગમ્ય કારણોસર શાળાના બદનામ કરવાના ઇરાદે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી અશ્લીલ તેમજ વાંધાજનક પોસ્ટ વાયરલ કરી હતી. જોકે, આવું કૃત્ય કરનાર ઈસમ સગીર વયનો વિદ્યાર્થી હોવાથી સાયબર સેલની ટીમે વિદ્યાર્થી તેમજ તેના માતા પિતાને બોલાવી તેઓનું જરૂરી કાઉન્સિલિંગ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.