મોસ્કો, રશિયામાં વેગનર આર્મી વિદ્રોહના અંતના ૨ દિવસ બાદ રાષ્ટ્રપતિ પુતિને પ્રથમ વખત દેશને સંબોધન કર્યું. તેમણે કહ્યું- પશ્ર્ચિમી દેશો ઇચ્છતા હતા કે રશિયન લોકો એકબીજા સાથે અંદરોઅંદર લડે. આ દ્વારા તેઓ યુક્રેન યુદ્ધમાં સતત હારનો બદલો લેવા માંગતા હતા, પરંતુ એવું થયું નહીં. આપણો દેશ દરેક પરિસ્થિતિમાં એકજૂટ છે.
રશિયન મીડિયા આરટી અનુસાર, પુતિને કહ્યું – વેગનર ગ્રૂપના લડવૈયાઓ સાચા દેશભક્ત છે, જેઓ તેમના દેશ અને નાગરિકો સાથે દગો કરી શક્તા નથી. કેટલાકે સૈનિકોને અંધારામાં રાખ્યા અને તેમને તેમના જ ભાઈઓની સામે બંદૂકો લઈને ઊભા કરી દીધા. જેમની સાથે તે એક સમયે ખભે ખભા મિલાવીને લડતા હતા.
વેગનર સૈનિકોને ઓફર કરતી વખતે પુતિને કહ્યું, સૈનિકોએ કાં તો રશિયન સેનામાં જોડાવું જોઈએ અથવા ઘરે પાછા ફરવું જોઈએ. આ પછી પુતિને મંગળવારે સુરક્ષા અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરી હતી. પુતિને એ વાતની પણ પુષ્ટિ કરી હતી કે વિદ્રોહ દરમિયાન વેગનરે આર્મી હેલિકોપ્ટરને તોડી પાડ્યું હતું. પુતિને હુમલામાં માર્યા ગયેલા પાઇલટોને શ્રદ્ધાંજલિ આપી હતી.
વેગનર ચીફ પ્રિગોઝિનની આ તસવીર શનિવારે મોડી રાત્રે રોસ્તોવ શહેરમાં લેવામાં આવી હતી. રશિયા સાથે ડીલ કર્યા પછી, તેણે તેના સૈનિકો સાથે અહીં સૈન્ય હેડક્વાર્ટર છોડી દીધું.
વેગનર ચીફ પ્રિગોઝિનની આ તસવીર શનિવારે મોડી રાત્રે રોસ્તોવ શહેરમાં લેવામાં આવી હતી. રશિયા સાથે ડીલ કર્યા પછી, તેણે તેના સૈનિકો સાથે અહીં સૈન્ય હેડક્વાર્ટર છોડી દીધું.
બીજી બાજુ, વેગનરના વડા યેવગેની પ્રિગોઝિને રશિયામાં બળવાના પ્રયાસને નકારી કાઢ્યો હતો. પ્રિગોઝિને કહ્યું, તેઓ પુતિનને હટાવવા માંગતા નથી. સોશિયલ મીડિયા એપ પર જાહેર કરાયેલા તેમના ૧૧-મિનિટના ઓડિયોમાં, પ્રિગોઝિન કહે છે, વેગનર આર્મીનો હેતુ યુક્રેનમાં તેમના કેમ્પ પર રશિયન હુમલા સામે વિરોધ નોંધાવવાનો હતો. અમે અન્યાય સામે લડવા અમારી કૂચ શરૂ કરી હતી.
રશિયાની ખાનગી સેના વેગનરે ૨૩ જૂને બળવો કર્યો. સૈન્યએ રોસ્તોવ શહેર અને લશ્કરી મુખ્ય મથક કબજે કર્યું. પાછળથી, બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેક્ધોએ વેગનર અને પુતિન વચ્ચે સમજુતી કરી. વેગનરના સૈનિકોએ પછી પીછેહઠ કરી અને પ્રિગોઝિનને રશિયા છોડીને બેલારુસ જવાનો આદેશ આપવામાં આવ્યો.
રોઇટર્સ અનુસાર, યુક્રેનના બખ્મુતમાં વેગનર તાલીમ શિબિર પર મિસાઇલ હુમલા બાદ રશિયા અને ખાનગી સેના વેગનર વચ્ચે વિવાદ શરૂ થયો હતો. આ હુમલામાં વેગનરના ઘણા સૈનિકો માર્યા ગયા હતા. પ્રિગોઝિને આ માટે ક્રેમલિનને દોષી ઠેરવ્યો. આ હુમલો ક્યારે થયો, જો કે તેની માહિતી આપવામાં આવી નથી.
વેગનર ચીફ પ્રિગોઝિને દાવો કર્યો છે કે રશિયન જનરલોએ યુક્રેનમાં તેના સૈનિકો પર હવાઈ હુમલાનો આદેશ આપ્યો હતો. તેણે કહ્યું કે તે રશિયાની વિરુદ્ધ નથી. તેઓ માત્ર રશિયન સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુ સહિત ટોચના રશિયન અધિકારીઓને નિશાન બનાવી રહ્યા છે.