પશ્ચિમ રેલવેએ કોરોનાકાળમાં સમયે બંધ કરેલું સુપરફાસ્ટ ટ્રેનનું સ્ટોપેજ પુન: ફાળવ્યું

  • રતલામ મંડળમાંથી પસાર થતી અજમેર-બાંદ્રા સુપરફાસ્ટ સાપ્તાહિક એક્સપ્રેસ આવતીકાલથી દાહોદ રોકાણ કરશે.
  • આવતીકાલે સાંસદ તેમજ રતલામ ડિવિઝનના DRM રજનીશકુમાર ટ્રેનને લીલીઝંડી આપશે.

દાહોદ, પશ્ચિમ રેલવેના રતલામ મંડળ માંથી પસાર થતી અને કોરોના કાળ પહેલા દાહોદ ખાતે ઉભી રહેતી બાંદ્રા અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસનું સાંસદ તેમજ DRUCC ઘણા સદસ્યોની વારંવાર માંગણી બાદ પુન: સ્ટોપેજ ફાળવતા દાહોદ વાસીઓમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.

કોરોના વૈશ્ર્વિક મહામારીમાં તેનો નું સંચાલન બંધ થતા રેલ નેટવર્ક ખોવાઈ જવા પામ્યો હતો. ત્યારબાદ સમય જતા પરિસ્થિતિ સામાન્ય બનતા રેલવે તંત્ર દ્વારા તબક્કાવાર બંધ પડેલી ટ્રેનોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાંથી પસાર થતી ઘણી ખરી ટ્રેનો જે કોરોના કાળ પહેલા દાહોદ ખાતે ઉભી રહેતી હતી. પરંતુ કોરોના બાદ આ ટ્રેનોના સ્ટોપેજ ઉઠાવી લેતા દાહોદ તેમજ આસપાસના રાજસ્થાન મધ્યપ્રદેશના રહેવાસીઓ કે જેઓ આ ટ્રેનો મારફતે મુસાફરી કરતા હતા. તે લોકોમાં ભારે નિરાશા વ્યાપી જવા પામી હતી. જોકે કોરોના કાળથી બંધ પડેલી ટ્રેનોને પુના શરૂ કરવા તેમજ અત્રેથી પસાર થતી અને કોરોના પહેલા ઉભી રહેતી ટ્રેનોના સ્ટોપેજ ફાળવવા માટે દાહોદના સાંસદ જશવંત ભાભોર તેમજ DRUCCના સદસ્યો દ્વારા અવારનવાર રજૂઆતો કર્યા બાદ પણ કોઈ નક્કર પરિણામ ન આવ્યું હતું. સાંસદ દ્વારા પણ રેલ મંત્રી રેલ રાજ્યમંત્રી, રેલવે બોર્ડના ચેરમેન, પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક, રતલામ મંડળ ડી આર એમ સહિતના ઉચ્ચ અધિકારીઓને આ મામલે રજૂઆતો પહોંચી હતી. જોકે તાજેતરમાં રતલામ મંડળના ડીઆરએમ રજનીશકુમાર દાહોદ રેલવે સ્ટેશન ના નિરીક્ષણ અર્થે આવ્યા હતા જ્યાં દાહોદના સાંસદ જશવંત ભાભોર ધારાસભ્ય કનૈયા કિશોરી DRUCC તેમજ ZRUCC ના સદસ્યો દ્વારા 16 જેટલા વિવિધ મુદ્દા તેમજ બંધ પડેલી ટ્રેનોને પુન: શરૂ કરવા તથા અત્રેથી પસાર થતી મહત્વપૂર્ણ ટ્રેનો ના સ્ટોપેજ મામલે ઉગ્ર રજૂઆતો કરતા ઘણી ખરી સમસ્યાઓનો ડીઆરએમ દ્વારા તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો. તો છેલ્લા ઘણા સમયથી દાહોદ વાસીઓની માંગણી તેમજ યાત્રી સુવિધાઓને ધ્યાને દઈ રેલવે બોર્ડ દ્વારા અત્રેથી પસાર થતી ટ્રેન નંબર 12995/96 બાંદ્રા અજમેર સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેનનું સ્ટોપેજ મંજૂર કરતા દાહોદ વાસીઓમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરેલા શિડ્યુલ પ્રમાણે ટ્રેન નંબર 1295/96 અજમેર બાંદ્રા સુપરફાસ્ટ આવતી કાલથી પ્રત્યેક બુધવાર શુક્રવાર તેમજ રવિવારે બાંદ્રાથી સાંજના 05.05 ઉપડી રાત્રે 01.23 વાગ્યે દાહોદ ખાતે આવશે અને બે મિનિટના રોકાણ કરી 01.25 વાગ્યે દાહોદ થી ઉપડી રતલામ ખાતે 03.10 વાગ્યે પહોંચશે અને ત્યાંથી દસ મિનિટનો રોકાણ કર્યા બાદ આ ટ્રેન સવારના 10:15 વાગે અજમેર ખાતે પહોંચશે. પરત આ 12996 અજમેર બાંદ્રા ટ્રેન દર અઠવાડિયાના મંગળવાર ગુરૂવાર તેમજ શનિવારે અજમેર થી રાત્રિન 08:45 કલાકે ઉપડી પશ્ચિમ રેલવેના રતલામ ખાતે 03:10 વાગ્યે પહોંચશે અને 10 મિનિટનો રોકાણ કર્યા બાદ સવારના પાંચ 05:33 વાગે દાહોદ ખાતે આવશે અને બે મિનિટનો રોકાણ કર્યા બાદ બાંદ્રા ખાતે જવા જવા રવાના થશે. જોકે આ ટ્રેન ચાલુ થવાથી દાહોદ તેમજ મધ્ય પ્રદેશ રાજસ્થાનના આસપાસના વિસ્તારોમાં બહોળી સંખ્યામાં વસવાટ કરતા મુસ્લિમ સમાજના બિરાદરો જે અજમેર ખાતે આવેલી ખ્વાજા શરીફના દર્શનાર્થે જવા માટે વડોદરા અથવા રતલામથી આ ટ્રેનમાં મુસાફરી કરતા હતા હવે આ ટ્રેન શરૂ થવાથી મુસાફરોને રતલામ કે વડોદરા જવાની જગ્યાએ દાહોદ થી જ આ સુવિધા પ્રાપ્ત થશે. અત્રે ઉલ્લેખની છે કે હજી પણ ઘણી બધી ટ્રેનો જે કોરોના કાળ પહેલા દાહોદ ખાતે ઉભી રહેતી હતી. જેનો સ્ટોપેજ રેલવે દ્વારા ઉઠાવી લેવામાં આવ્યો છે. તે પુન: શરૂ કરી દેવામાં આવે તો એક તરફ મુસાફરોને વધુ ટ્રેનોની સગવડ મળશે. તો બીજી તરફ રેલવે ને યાત્રી ભાડાથી આર્થિક રીતે લાભ પણ પહોંચશે તેમાં કોઈ બેમત નથી.