કલમ ૩૭૦ નાબૂદ કરવાની પાંચમી વર્ષગાંઠના પાંચ દિવસ પહેલા જમ્મુ-કાશ્મીર સરકારે પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થીઓને મોટી ભેટ આપી છે. તેમની સામે લાંબા સમયથી ચાલતા ભેદભાવને સમાપ્ત કરીને સરકારે તેમને રાજ્યની જમીનના માલિકી હક્કો આપ્યા છે. તેનાથી જમ્મુ ડિવિઝનના જમ્મુ, કઠુઆ અને રાજોરીમાં રહેતા લોકોને ફાયદો થશે. સાત દાયકા પછી, ૨૦૧૯ માં, તેમને નાગરિક્તા અને મતદાનનો અધિકાર મળ્યો.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની અધ્યક્ષતામાં મળેલી વહીવટી પરિષદની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે સરકારી જમીનના માલિકી હક્ક પશ્ચિમ પાકિસ્તાનથી આવતા શરણાર્થીઓને આપવામાં આવે. આ સાથે ૧૯૬૫ વિસ્થાપિત લોકોને પણ માલિકી હક્ક આપવામાં આવ્યા છે. સરકાર ૧૯૬૫ના વિસ્થાપિત લોકોને ૧૯૪૭ અને ૧૯૭૧ના વિસ્થાપિત લોકોની જેમ સુવિધાઓ આપવા પ્રતિબદ્ધ છે. મહેસૂલ વિભાગ એ સુનિશ્ર્ચિત કરશે કે આપવામાં આવેલી સત્તાનો દુરુપયોગ ન થાય. ખાસ કરીને સરકારી જમીનના કબજા વગેરે બાબતોમાં.
સરકારના આ નિર્ણયથી હજારો પરિવારોને ફાયદો થશે. આ લોકો છેલ્લા ઘણા દાયકાઓથી માલિકીના અધિકારની માંગ કરી રહ્યા હતા. સરકારના આ નિર્ણયથી હવે તેઓ પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરના વિસ્થાપિત લોકો જેવી જ સુવિધાઓ મેળવી શકશે. એડમિનિસ્ટ્રેટિવ કાઉન્સિલની બેઠકમાં સલાહકાર રાજીવ રાય ભટનાગર, મુખ્ય સચિવ અટલ દુલ્લુ અને લેટનન્ટ ગવર્નરના અગ્ર સચિવ ડૉ. મનદીપ ભંડારી હાજર હતા. સરકારી દસ્તાવેજો અનુસાર, ૧૯૪૭માં દેશના વિભાજન પછી, ૫૭૬૪ પરિવારો પશ્ર્ચિમ પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાંથી સ્થળાંતર કરીને જમ્મુ વિભાગના વિવિધ સ્થળોએ સ્થાયી થયા હતા. તેઓ જમ્મુના આરએસ પુરા વિસ્તાર બદિયાલ કાજિયા, જંગલાદ, કુતુબ નિઝામ, ચૌહાલા વગેરેમાં રહે છે. આ સાથે ખૈરમાં તેમની વસ્તી પણ છે. ૧૯૫૪માં રાજ્ય સરકારની ૪૬૬૬૬ કનાલ (૨.૩૭ કરોડ ચોરસ ફૂટ) જમીન શરણાર્થીઓને ફાળવવામાં આવી હતી.
જોકે, પશ્ર્ચિમ પાકિસ્તાન રેફ્યુજી સ્ટ્રગલ કમિટીનું કહેવું છે કે તેની પાસે ૨૧૧૫૯ પરિવારોના રેકોર્ડ ઉપલબ્ધ છે. કઠુઆના હીરાનગર, કીડિયાન ગાંડિયાલ અને અખનૂરમાં સ્થાયી થયેલા લોકોએ નદી અને કોતરના કિનારે જમીન સમતળ કરીને ખેતી શરૂ કરી. છેલ્લા ૬૦ વર્ષથી તેમના નામે ગીરદાવરી (જમીનનો કબજો અને પાક ફેરબદલનો અહેવાલ) ચાલી રહ્યો હતો. પરંતુ ત્રણ વર્ષ પહેલા આ તમામ અવરોધો કાપી નાખવામાં આવ્યા હતા. અહીં સરકારી જમીનનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું અને લોકોને ખેતી ન કરવા કહેવામાં આવ્યું હતું. સરકારે જમીન લીધી ન હોવા છતાં જમીન ગુમાવવાની ધમકીથી પરિવાર ચિંતિત હતો.