પશ્ચિમ બંગાળમાં મહિલાને નિર્વસ્ત્ર કરી રોડ પર ઢસડી ઢોર માર માર્યો, ભાજપના નેતાની ધરપકડ

પશ્ર્ચિમ બંગાળના નંદીગ્રામમાં ભાજપના એક બૂથ પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે બુથ પ્રમુખ તાપસ દાસના સહયોગીઓએ મહિલાના ઘરમાં ઘુસીને તેના પર ત્રાસ ગુજાર્યો હતો. મહિલા તાજેતરમાં જ ભાજપ છોડીને ટીએમસીમાં જોડાઈ હતી. આરોપ છે કે તાપસ દાસ અન્ય લોકો સાથે મળીને તેને નગ્ન અવસ્થામાં રસ્તા પર ખેંચી ગયા હતા. ટીએમસીએ પીડિતાને મળવા માટે એક પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું.

ભાજપનું કહેવું છે કે આ પારિવારિક વિવાદ હતો અને તેને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. આ ઘટના ગોકુલનગરના પંચાનંતલામાં બની હતી. ઘાયલ મહિલાને નંદીગ્રામ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પીડિતાનો આરોપ છે કે શુક્રવારે રાત્રે તે તેના પુત્ર અને પુત્રી સાથે ઘરે હતી. ત્યારે કેટલાક લોકો બળજબરીથી ઘરમાં ઘૂસી ગયા હતા અને તેને ઢોર માર મારી ઘરની બહાર ઢસડી ગયા હતા. આ પછી, લોકો તેને આખા ગામમાં કપડાં ઉતારી ફેરવી હતી. અને માર માર્યો હતો

તેણીએ કહ્યું, હું પહેલા ભાજપમાં હતી પરંતુ તાજેતરની ચૂંટણીમાં ટીએમસીમાં જોડાઈ હતી. થોડા દિવસો પહેલા પણ તે લોકોએ મને માર માર્યો હતો અને આખા ગામમાં મને બદનામ કરી હતી. ત્યારે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. શુક્રવારે પણ આ જ ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ સર્જાયું હતું. નંદીગ્રામ ફર્સ્ટ બ્લોક બીજેપી કોઓડનેટર અભિજીત મૈતીએ મહિલા પર હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે કે તેનો ભાજપ સાથે કોઈ સંબંધ નથી. અમારી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

નંદીગ્રામના ટીએમસી અધિકારી શેખ સુફિયાને કહ્યું, મહિલાનો એકમાત્ર ગુનો એ છે કે તે ટીએમસીમાં જોડાઈ હતી. તેમના પર ફરીથી ભાજપમાં જોડાવાનું દબાણ હતું. જ્યારે તેણે ના પાડી તો તેના કપડાં કાઢી માર મારવામાં આવ્યો હતો. અમે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ. પીડિતાને મળવા આવેલા ટીએમસીના પ્રતિનિધિમંડળમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ કુણાલ ઘોષ પણ સામેલ હતા.