પશ્ર્ચિમ બંગાળમાં વીજળી પડવાથી ૧૫ના મોત, મૃતકોમાં મોટા ભાગના ખેડૂતો

મુર્શિદાબાદ,પશ્ર્ચિમ બંગાળના પાંચ જિલ્લામાં ગત રોજ વીજળી પડવાથી ૧૫ લોકોના મોત થયા છે. વીજળી પડવાને કારણે પૂર્વ બર્ધમાન જિલ્લામાં ચાર અને મુર્શિદાબાદ અને ઉત્તર-૨૪ પરગનામાં બે-બે લોકોના મોત થયા છે. પશ્ર્ચિમ બંગાળ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પશ્ર્ચિમ મિદનાપુર અને હાવડા ગ્રામીણ જિલ્લામાંથી વધુ છ મૃત્યુ નોંધાયા છે. મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના ખેડૂતો હતા કે જે ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતાં મૃત્યુ પામ્યા હતા.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર, કોલકાતા, હાવડા, ઉત્તર ૨૪ પરગના, પૂર્વા બર્ધમાન અને મુર્શિદાબાદ સહિત દક્ષિણ બંગાળના કેટલાક જિલ્લાઓમાં વીજળી સાથે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. પ્રાદેશિક હવામાન કેન્દ્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે અલીપોરમાં સાંજે ૪.૪૫ કલાકે જોરદાર પવન ફૂંકાયો હતો.

હવામાનશાસ્ત્રીના જણાવ્યા અનુસાર, હાલમાં પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં હવાના ઉપરના ભાગમાં ચક્રવાતના રૂપમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રચાયું છે. રાજસ્થાનમાં હવાના ઉપરના ભાગમાં ચક્રવાત પણ સર્જાયું છે. જેના કારણે નીચલા સ્તરે પવનની દિશા દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ રહી છે. પવનની સાથે સાથે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી પણ ભેજ આવી રહ્યો છે. જેના કારણે આગામી કેટલાક દિવસો સુધી હવામાનની પેટર્ન આવી જ રહેવાની સંભાવના છે.

ભરતપુર-૨ બ્લોક એડમિનિસ્ટ્રેશન અનુસાર, બે ખેડૂતો, હબીબ શેખ અને નેકબસ શેખ, ખેતરમાં કામ કરતી વખતે મૃત્યુ પામ્યા હતા. અન્ય ત્રણ હેલુ શેખ, અમીનુર શેખ અને હીરુ શેખ ઘાયલ થયા હતા. સુતીના બહગોલપુરમાં, એકરામ અલી તેના શણના ખેતરમાં સફાઈ કરી રહ્યો હતો આ દરમિયાન વીજળી પડતા તેમનું પણ ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. બીજી ઘટના સમસેરગંજના લક્ષ્મીનગરમાં બની હતી જ્યાં એક યુવક સલાઉદ્દીન શેખ (૨૧)નું મોત થયું હતું અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા.