પશ્ર્ચિમ બંગાળના હાવડામાં વર્ષો જૂના માર્કેટમાં લાગી આગ, ૮૦૦-૧૦૦૦ દુકાનો ખાક થઇ

કોલકતા, પશ્ર્વિમ બંગાળથી ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પશ્ર્ચિમ બંગાળના હાવડામાં એક માર્કેટમાં આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ૮૦૦-૧૦૦૦ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. આ માર્કેટમાં ૫૦૦૦ થી વધુ દુકાનો છે. સ્થાનિક દુકાનદારોનું કહેવું છે કે આગ આયોજનપૂર્વક લગાડવામાં આવી છે. કેટલાક લોકોએ અંગત અદાવત રાખીને આ આગ લગાડી હોવાની વાત સામે આવી છે.

તેઓ કહી રહ્યા છે કે દુકાનની માલિકીનો મામલો વર્ષોથી ચાલી રહ્યો છે. એક દુકાનદારે જણાવ્યું કે માર્કેટમાં ઓછામાં ઓછી એક હજાર દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. આગ બુઝાવવા માટે ૧૮ ફાયર એન્જિન ઘટનાસ્થળે હાજર છે. આગ બુઝાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેથી આગ માર્કેટની અન્ય દુકાનોમાં ના ફેલાય.

હાવડા પોલીસ સ્ટેશન હેઠળના ૧૮ નંબર નિત્યાનંદ મુખર્જી રોડ સ્થિત પોદાહાટમાં આગ લાગવાની માહિતી મળતા જ ૧૮ ફાયર ફાઈટર એક પછી એક પહોંચ્યા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ આગ લગભગ મધરાત્રે ૧:૦૦ વાગ્યાની આસપાસ લાગી હતી. જે બાદ આ વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યા બાદ આ વિસ્તારમાં પાવર કટ થઈ ગયો હતો.

ડિવિઝનલ ફાયર ઓફિસર રંજન કુમાર ઘોષનું કહેવું છે કે ઘટનાની માહિતી મળતાની સાથે જ હાવડા હેડ ક્વાર્ટરથી ફાયર એન્જિનને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. વાહનોને બોલાવવામાં આવ્યા છે. આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે.પણ પાણીને લઈને સમસ્યા ઉભી થઈ રહી છે.