પશ્ર્ચિમ બંગાળમાં મતગણતરી કેન્દ્ર પરથી સીલબંધ મતપેટીઓ મળી આવી

કોલકાત્તા, પશ્ર્ચિમ બંગાળના માલદા જિલ્લાના ગજોલની એક માધ્યમિક શાળામાંથી ત્રણ સીલબંધ મતપેટી મળી આવી છે, જેની મતગણતરી થઈ નથી. સૂત્રોના કહેવા અનુસાર તાજેતરમાં સંપન્ન થયેલી પંચાયત ચૂંટણી માટે આ સ્કૂલની ફાળવણી મતગણતરી કેન્દ્ર માટે કરાઈ હતી, જ્યાં આ મતગણતરી રાખવામાં આવી હતી. મતપેટી મળી આવ્યા બાદ કોંગ્રેસ નેતા પ્રદીપ ભટ્ટાચાર્યે કહ્યું કે આનાથી ફક્ત એ જ સાબિત થાય છે કે પંચાયત ચૂંટણી લોકશાહીના નામ પર એક તમાશો છે.

સીલબંધ મતપેટીઓ એક ચૂંટણી અધિકારી દ્વારા નિયુક્ત કરાયેલા તાલુકા વિકાસ અધિકારી(ટીડીઓ)ની દેખરેખમાં હોવી જોઈએ. હું સંબંધિત અધિકારી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરું છું, કારણ કે આ ત્રણ મતપેટીની ગણતરી કર્યા વિના જ પરિણામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ નેતાઓની સાથે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા તન્મય ભટ્ટાચાર્યે પણ કહ્યું કે, પંચાયત ચૂંટણી એક દેખાવો હતો. આ ગ્રામીણ વિસ્તારોમાં સત્તા હાંસલ કરવા માટે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસની હતાશા દર્શાવે છે. અહીંયા નોંધવું રહ્યું કે, ૮મી જુલાઈએ યોજાયેલી પંચાયત ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે. તૃણમૂલ કોંગ્રેસે તમામ જિલ્લા પંચાયતમાં ૮૮૦ સીટો જીતી છે, જ્યારે ભાજપને ૯૨૮માંથી ફક્ત ૩૧ સીટ પર જીત મળી છે. જ્યારે કોંગ્રેસ-ડાબેરી ગઠબંધનને ૧૫ સીટો મળી, જ્યારે બે સીટો અન્યને ફાળે આવી છે.