નવીદિલ્હી,
આવકવેરા વિભાગે બે રાજ્યોમાં મોટી કાર્યવાહી કરી છે. આઈ-ટી વિભાગે ઝારખંડ અને પશ્ર્ચિમ બંગાળમાં ૨૦થી વધુ સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા છે. મોંગિયા સ્ટીલ અને સલુજા સ્ટીલ કંપની સાથે સંકળાયેલા ઘણા ડિરેક્ટર્સના પરિસરમાં દરોડા પાડવામાં આવી રહ્યાં છે. આવકવેરા વિભાગની કાર્યવાહીના કારણે ખળભળાટ મચી ગયો છે.
આવકવેરા સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે ઝારખંડમાં રાંચી, ગિરિડીહ, દેવઘર અને અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આવકવેરા વિભાગની ટીમ પશ્ર્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં ચાર જગ્યાએ દરોડા પાડી રહી છે.
પશ્ર્ચિમ બંગાળ અને ઝારખંડમાં એક સાથે દરોડાથી સર્વત્ર ખળભળાટ મચી ગયો હતો. છેલ્લા કેટલાંક દિવસોથી આવકવેરા વિભાગની ટીમ સતત દેશના અનેક વિસ્તારોમાં દરોડા પાડી રહી છે. આવકવેરા વિભાગની ટીમ ગુણવંત સિંહ મોંગિયા અને બલવિંદર સિંહના પરિસરમાં દરોડા પાડી રહી છે. સ્ટીલ કંપનીઓ અને તેમના ડાયરેક્ટર્સ સહિત અન્ય અધિકારીઓ પર કરચોરીનો આરોપ છે. આરોપોની પ્રાથમિક તપાસ બાદ દરોડા પાડવામાં આવી રહ્યા છે.