
ઈસ્લામાબાદ: પશ્ચિમ અફઘાનિસ્તાનમાં આવેલા પ્રચંડ ભૂકંપમાં ૨૦૦૦થી વધુનાં મૃત્યુ થયા હોવાની ભીતિ છે. આ માહિતી આપતા તાલિબાન પ્રવકતાએ કહ્યું હતું કે છેલ્લા બે દાયકામાં થયેલો આ સૌથી પ્રચંડ ભૂકંપ હતો. આ ૬.૩ આંકના ભૂકંપ પછી આવેલા ૫.૯ અને ૫.૫ના આફટર શોક્સને પરિણામે અસંખ્ય વ્યક્તિઓનાં મૃત્યુ થયા હતા તેમ અફઘાનિસ્તાનની ‘નેશનલ ડીઝાસ્ટર ઓથોરિટી’ દ્વારા કહેવામાં આવ્યું છે.
અફઘાનિસ્તાનનાં માહિતી અને સાંસ્કૃતિક મંત્રાલયના પ્રવકતા અબ્દુલ વાહીદ શયાને જણાવ્યું હતું કે સૌથી પહેલા હેરાત વિભાગમાં ભૂકંપ થયો હોવાની માહિતી બહાર આવી તે પછી લગભગ તુર્ત જ જાણવા મળ્યું કે એ વિસ્તારનાં આશરે ૬ ગામો તો તદ્દન તારાજ થઈ ગયા છે. હજી પણ સેંકડો લોકો મલબા નીચે દબાયેલા હશે. આ સાથે પ્રવકતાએ લોકોને પણ સહાય માટે કામે લાગવા વિનંતિ કરી હતી.
યુનોએ તો સૌથી પહેલાં ૧૦૦ના મૃત્યુ થયા હોવાનું જણાવ્યું હતું. પરંતુ તે પછી ઘણાં વધુ મૃત્યુ થયા હોવાની માહિતી મળતા યુનોની ‘કો-ઓર્ડીનેશન ઓફ હ્યુમેનિટેરિયન અર્ફેસની ઓફીસે’ તત્કાળ સહાય મોકલવા તૈયારી શરૂ કરી દીધી હતી.
યુનાઇટેડ સ્ટેટસ જીઓલોજિકલ સર્વે જણાવે છે કે ભૂકંપનું કેન્દ્ર હેરાત શહેરથી ઉત્તર પશ્ચિમે આશરે ૪૦ કી.મી. (આશરે ૨૫ માઇલ) હતું. આ ભૂકંપ પછી ફરી ૬.૩નો ‘આફટર શોક’ આવ્યો હતો તે પછી ૫.૯ અને ૫.૫ ના આફટર શોક્સ આવ્યા હતા. તે પછી પણ ઓછામાં ઓછા પાંચ વખત ધરતી ધૂ્રજી હતી. બપોર સુધીમાં તો તબાહી મચી ગઈ હતી.
હેરાતના રહેવાસી અબ્દુલ શફર સમાદીએ કહ્યું હતું કે બધા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ઘરો, ઓફીસો અને દુકાનોમાંથી લોકો બહાર નીકળી ગયા હતા.
દરમિયાન યુનોએ ૧૨ એમ્બ્યુલન્સ મોકલી છે. જે દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલોમાં લઈ જવાયા છે. ટેલીફોન લાઈનો પણ હેરાતમાં તૂટી ગઈ છે. તેથી પરસ્પર લોકો સાથે સંપર્ક સાધી શકતા નથી. તેમજ બહારના લોકો તેમનો સંપર્ક સાધી શકતા નથી કે હેરાતના લોકો બહારના લોકોનો સંપર્ક સાધી શકતા નથી.