પર્યાવરણના ભોગે શહેરીકરણ

છેલ્લા કેટલાય સમયથી ૠતુચક્ર અનિયમિત બની રહ્યાના પરિણામે માનવ જીવનને ઘેરી અસર પહોંચી રહી છે. તેમાંયે આ વર્ષ ઉનાળો કદાચ ૧૦ વર્ષ બાદના સ્તરે દાહક બન્યો છે. અગાઉ ૪૦ ડિગ્રી ગરમી તોબા પોકારાવતી હતી પરંતુ આ વખતે ૪૪થી ૪૫ ડિગ્રી જેટલી કાળઝાળ ગરમી પખવાડિયા સુધી ધખધખતી રહી હતી. તેમાંયે ગ્રામ્ય વિસ્તારોમાં સંભવિત વૃક્ષો-ખેતરોની લીલોતરીના કારણે કદાચ થોડી શાતા હતી પરંતુ શહેરીજનોની હાલત વધુ કફોડી બની છે.

વિશ્ર્વ બેંકે તાજેતરમાં તીવ્ર ગતિએ થઇ રહેલ શહેરીકરણ અને જળવાયુ પરિવર્તન વચ્ચેના સંબંધો અંગે ‘થ્રાઇવિંગ : મેકિંગ સિટીઝ ગ્રીન, રેજિલિએન્ટ એન્ડ ઇક્ધલૂસિવ ઇન એ ચેન્જિગ કલાઇમેટ’ નામનો રિપોર્ટ પ્રકાશિત કર્યો છે.દુનિયાના ૧૦ હજારથી વધુ શહેરોના અધ્યયન પર આધારિત આ રિપોર્ટ દર્શાવે છે કે જળવાયુ પરિવર્તનનો શહેરો અને તેમાં રહેતી આબાદી પર પ્રતિકૂળ પ્રભાવ પડી રહ્યો છે. શહેરોમાં રહેતા લોકો સ્વચ્છ વાતાવરણના સંકટ અને જુદી જુદી પર્યાવરણીય સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે.

તીવ્ર શહેરીકરણની સમાંતર શહેરોમાં પર્યાવરણના ક્ષરણની ગતિ પણ ચિંતાજનક છે. ૧૯૭૦થી ર૦ર૧ની વચ્ચે શહેરોમાં રહેતા લોકોની સંખ્યા ૧.૧૯ અબજથી વધીને ૪.૪૬ અબજ થઇ ગઇ. સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન છે કે, ર૦પ૦ સુધીમાં દુનિયાની લગભગ ૭ ટકા આબાદી શહેરોમાં વસી જશે. જેના કારણે માનવ સમાજને અનેક જોખમોનો સામનો કરવો પડી શકે છે.

શહેરોમાં વસવાટ માટે મકાનો બનાવવા સાથે આધારભૂત સંરચનાઓ,કારખાનાઓનો વિકાસ અને વિલાસિતાપૂર્ણ જીવનશૈલીના કારણે શહેરો ગરમ દ્વિપમાં પરિણમી રહ્યા છે. શહેરોની આધુનિક સંરચનાઓ મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે અલગાવ વધારે છે. શહેરોના ઉત્તરોતર વિકાસના ક્રમમાં હરિત આવરણનો વિનાશ થાય છે. જેના કારણે જૈવ વિવિધતા ઘટતી જાય છે. આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘની લાલ સૂચિમાં પ્રજાતિઓ માટે શહેરીકરણને ત્રીજા સૌથી મોટા ખતરાના રુપમાં ઓળખ કરવામાં આવી છે. ધરતીના માંડ બે કે ત્રણ ટકા ભાગમાં ફેલાયેલા શહેરો આજે વૈશ્ર્વિક માનવજનિત ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનના લગભગ ૭૦ ટકા હિસ્સા માટે જવાબદાર છે.

શહેરો કોઇપણ દેશના આથક વિકાસ માટે પાવર હાઉસ હોય છે. પરંતુ શહેરોએ જળવાયુ પરિવર્તનના કારક બનવાના બદલે તેનું સમાધાન પ્રસ્તુત કરવું જોઇએ. સતત વિકાસ લ-યો(એસડીજી) પ્રાપ્ત કરવામાં શહેરો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. જો કે પર્યાવરણ ક્ષરણમાં પોતાની જવાબદારી ઓછી કરીને શહેર પોતાના નિવાસીઓને ખુશહાલ ભવિષ્ય પ્રદાન કરી શકે છે.