
- ૨૨ એપ્રિલે જ મંદિરનું તાળું તોડી નાખવાની હતી, પરંતુ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને રોક્યા હતા.
ભોપાલ,
એક તરફ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન ઉમા ભારતીએ એક્સાઈઝ પોલિસીનો જોરશોરથી વિરોધ કર્યો છે તો બીજી તરફ તેઓ શિવરાજ ચૌહાણ સરકારને ઘેરી રહ્યા છે. આ ઉપરાંત ઉમા ભારતીએ હવે પાર્ટી હાઈકમાન્ડ પર સીધો પ્રહાર કર્યો છે. રાયસેન મંદિર પ્રકરણમાં ઉમા ભારતીએ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડાએ પોતે તેમને રાયસેન કિલ્લામાં આવેલ શિવ મંદિરનું તાળું ખોલવાથી રોક્યા હતા. આ બાદ પાર્ટીના જ કેટલાક લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. ઉમા ભારતીએ તમામને ચેતવણી આપી હતી કે, જો યુદ્ધ જ કરવુ હોય તો બધા તૈયાર થઈ જાઓ.
ઉમા ભારતી એક્સાઇઝ પોલિસીને લઈને મધ્યપ્રદેશ સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. એક્સાઈઝની નવી નીતિમાં તેમણે મોકલેલા સૂચનોને સમાવેશ કરવા માટે સંઘર્ષ કરી રહી છે. આ ક્રમમાં બુધવારે તેઓ ભોપાલના અયોધ્યા બાયપાસ રોડ સ્થિત હનુમાન મંદિરમાં પત્રકારો સાથે વાત કરી હતી. દરમિયાન, જ્યારે રાયસેન મંદિરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો, ત્યારે ઉમા ભારતીએ કહ્યું કે તેણે મંદિરના તાળા ઘણા સમય પહેલા ખોલ્યા હોત, પરંતુ જેપી નડ્ડાએ તેમને તાળા ખોલતા અટકાવી દીધા હતા. આ પછી, અમારી જ પાર્ટીનું એક જૂથ આ ઘટનાને સોશીયલ મીડિયામાં સતત ટ્રેંડ કરીને ટ્રોલ કરી રહ્યું છે. ગુસ્સામાં તેમણે આ બધા લોકોને ચેતવણી આપી કે જો તમારે યુદ્ધ જ કરવું હોય તો તૈયાર થઈ જાઓ. તેમણે કહ્યું કે તે ના તો ડરવાની છે અને ના તો નમવાની છે.
પૂર્વ સીએમ ઉમા ભારતીએ કહ્યું કે તે, ૧૧ એપ્રિલ ૨૦૨૨ના રોજ જ રાયસેન કિલ્લાના શિવ મંદિરનું તાળું તોડવાની હતી. આ માટે તે સવારે ઓરછાથી રાયસેન જવા નીકળી પણ હતી. પરંતુ વચ્ચેજ જેપી નડ્ડાનો ફોન આવ્યો અને તેમણે આમ કરવાની ના પાડી દીધી. તેમણે કહ્યું કે અગાઉ સીએમ શિવરાજનો ફોન આવ્યો હતો અને તેમણે અમિત શાહનો હવાલો ટાંક્યો હતો. ત્યારે સાંસ્કૃતિક મંત્રાલય ટૂંક સમયમાં કાયમી ધોરણે તાળા ખોલી દેશે તેવી ખાતરી મળી હતી.
ઉમા ભારતીએ કહ્યું કે તેઓ મુખ્ય પ્રધાન રહી ચુક્યા છે, કેન્દ્રમાં મંત્રી પદ પણ સંભાળી ચુક્યા છે. હવે માત્ર વડાપ્રધાનની ખુરશી બચી છે, પરંતુ દરેક જણ આ ખુરશી સુધી પહોંચી શકશે નહીં તે સૌ કોઈ જાણે છે. તેમણે પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો કે શું દારૂબંધીના મુદ્દાને કારણે તેમને આ ખુરશી મળી જશે. પરંતુ તેમના જ પક્ષમાં એક જૂથ છે જે સતત આ પ્રકારની અફવાઓ ફેલાવી રહ્યું છે. તેણે કહ્યું કે તે આવા લોકોને પહોચી વળવા માટે તેઓ તૈયાર છે.