રાજકોટ, પરષોત્તમ રુપાલાએ ઉધોગપતિઓ અને વેપારી અગ્રણીઓ સાથે બેઠક યોજી. આ બેઠક બાલાજી વેફર્સના માલીક ચંદુ વિરાણીના ઘરે યોજવામાં આવી હતી. ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સાથેની બેઠકમાં પરષોત્તમ રુપાલાએ લોક્સભા ચૂંટણીને લઈને ચર્ચા કરી. માનવામાં આવે છે કે પરષોત્તમ રુપાલાની આ બેઠક ચૂંટણી માટે વધુ મહત્વની બની રહેશે. કારણ કે રાજકોટ લોક્સભામાં લેઉવા પટેલ નિર્ણાયક મતદારો ગણાય છે. તેઓ ચૂંટણીના સમીકરણો બદલી શકે છે. રાજકોટમાં એકબાજુ ક્ષત્રિય સમાજનો વિરોધ વેગ પકડી રહ્યો છે ત્યારે પાટીદારોને મનાવવાના ભાજપ દ્વારા પ્રયાસ હાથ ધરાયા છે.
ગુજરાતમાં લોક્સભા ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં ૭મેના રોજ મતદાન થશે. રાજ્યમાં મતદાનને હવે બહુ ઓછા દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્યમાં પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતા વિવાદનો અંત ક્યાંય દેખાતો નથી. રુપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગવા છતાં અગ્રણીઓ દ્વારા તેમની ટીકીટ રદ કરવાની માંગને લઈને ઠેર-ઠેર દેખાવો અને જાહેરસભા થઈ રહી છે. ક્ષત્રિય સમાજે જો કે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિતશાહની જાહેરસભામાં કોઈ ધમાલ ના થાય તે રીતે શાંતિપૂર્ણ રીતે દેખાવ કરવાની અપીલ કરી હતી. દરમ્યાન રુપાલા પાટીદારોને મનાવવાના પ્રયાસ કરતા જોવા મળ્યા. ગઈકાલે પરષોત્તમ રુપાલાએ લેઉઆ પાટીદારો અગ્રણીઓ સાથે મહત્વની બેઠક કરી હતી. બાલાજી વેફર્સના માલિક ચંદુભાઈ વિરાણીના ઘરે યોજાયેલ બેઠકમાં વિઠ્ઠલભાઈ ધડુક, વલ્લભભાઈ સતાણી, દુષ્યંતભાઈ ટીલાળા, આકાશ વેકરીયા, શંભુભાઈ પરસાણા, કિશોરભાઈ પાંભર અને પરેશ ગજેરા સહિતના અનેક ઉધોગપતિઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ઉદ્યોપતિઓ અને રુપાલા વચ્ચે યોજાયેલ આ બેઠકમાં તમામ મુદ્દે ચર્ચા કરાઈ હોવાની માહિતી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨ દિવસીય ગુજરાત મુલાકાતે છે. ગઈકાલે ડીસા અને અને સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં બે-ટુ-બેક ચૂંટણી રેલીઓને સંબોધી હતી. ત્યારબાદ રાત્રે ગાંધીનગર ભાજપના કમલમ મુખ્યાલયે પંહોચ્યા હતા અને તમામ મોટા નેતાઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદી આજે આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગર જિલ્લામાં ચાર ચૂંટણી રેલીઓને સંબોધવાના છે. પીએમ મોદીની મુલાકાત સંભવત રૂપાલા માટે વધુ લાભકારક બની શકે તેવા સંભાવના છે. ગઈકાલે પરષોત્તમ રુપાલાએ પાટીદારા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સાથે બેઠક યોજી હતી. તેના બાદ આજે રાજવીઓ સાથે ચિંતન બેઠક યોજાઈ શકે છે. રાજવી માંધાતાસિંહ જાડેજાએ રણજીતવિલાસ પેલેસ ખાતે આ મહત્ત્વની બેઠકનું આયોજન કર્યું છે. બેઠકમાં ગુજરાત સૌરાષ્ટ્રના રજવાડાઓના રાજવીઓ હાજરી આપી શકે છે. આ બેઠકનું પરિણામ રુપાલા માટે કેટલું સકરાત્મક હશે તે આગામી સમયમાં ખબર પડશે.