અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા એક વ્યકિતના ઘર પર પાર્સલ મોકલી તેને ઉડાવી દેવાનો પ્રયાસ કરાતા ચકચાર મચી છે. સવારના સમયે ઘર પર આવેલું પાર્સલ ખોલતા જ જોરદાર બ્લાસ્ટ થતા પાર્સલ ખોલનાર વ્યકિત ઘવાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સ દ્વારા બદલો લેવાના ઈરાદે આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. બનાવના પગલે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પાર્સલ આપનાર વ્યકિતને પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
પાર્સલ ખોલ્યુંને જોરદાર બ્લાસ્ટ થયો : અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શિવમ પ્લાઝા નજીક રહેતા એક વ્યકિતના ઘર પર આજે સવારના સમયે પાર્સલ આવ્યું હતું. જે ખોલતા જ જોરદાર ઘડાકો થયો હતો. આ સમગ્ર પાર્સલની અંદર જે વ્યક્તિને પાર્સલ મોકલવાનું હતું તેમને ઇજા પહોંચાડવાનો ઉદ્દેશ્ય હતો પાર્સલ તેમના ઘરે પહોંચ્યું ત્યારે તેમના સ્વજને પાર્સલ ખોલ્યું અને તેમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે શહેરના સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજરે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે વ્યક્તિને ઈજા પહોંચાડવા માટે પાર્સલની અંદર આઈડી પ્લાન્ટ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે આ પાર્સલ કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવા માટે મોકલવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે જેમાં જેને પાર્સલ મોકલવાનું હતું તે વ્યક્તિના સ્વજનને પાર્સલ ખોલતા સમયે બ્લાસ્ટ થતા ઈજા થઈ છે.