દાહોદ, દાહોદ શહેરની મધ્યમાં આવેલી નગીના મસ્જીદનો વિવાદ છેલ્લા કેટલાય દિવસોથી ચાલતો હતો. ત્યારે તંત્ર દ્વારા આ મસ્જીદને પરોઢિયે 4-15 કલાકે તોડી પાડવામાં આવી હતી. પશુ-પક્ષી પણ ફરખતા ન હતા તેવા સમયે પણ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મસ્જીદનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
દાહોદના ભગિની સમાજની સામે વળાંકમાં જ નગીના મસ્જીદ આવેલી હતી. આ મસ્જીદની લાઇનમાં તેમજ આસપાસના તમામ દબાણો આ પહેલાં જ તોડી પાડવામાં આવ્યાં હતા. બીજી તરફ આ મસ્જીદ મામલે મસ્જીદના ટ્રસ્ટીઓ અને તંત્ર વચ્ચે દાવા પ્રતિદાવા ઠોકવામાં આવતા હતા. તંત્રનું કહેવું હતું કે, આખી મસ્જીદ દબાણમાં છે જ્યારે ટ્રસ્ટીઓનુ કહેવું હતું કે, મસ્જીદમાં માત્ર 6 ફુટ જેટલું જ દબાણ છે ત્યારે તંત્ર દ્વારા ટ્રસ્ટીઓને જરૂરી દસ્તાવેજી પુરાવા રજૂ કરવા કહેવામાં આવ્યું હતું અને એક જાણકારી મુજબ શુક્રવાર સાંજ સુધીનો સમય આપવામાં આવ્યો હતો બીજી તરફ મસ્જીદના ટ્રસ્ટીઓ અને સમાજના યુવાનોએ જાતે જ મસ્જીદનો તે 6 ફુટનો ભાગ આ પહેલાં જ તોડી પાડ્યો હતો તે દિવસે પણ ઉત્તેજના વ્યાપી ગઇ હતી, કારણ કે સમાજના લોકોએ સરકારી મશીનરીનો ઉપયોગ કરવાની ના પાડી દીધી હતી બીજી તરફ સમાજના યુવાનોએ જાતે જ મસ્જીદનો ભાગ તોડવાનું શરૂ કર્યુ હતું તેનાાથી પણ પરિણામ ન મળતા છેવટે સ્વખર્ચે જેસીબી મંગાવ્યાં હતા અને તે બે જેસીબી વડે જ 6 ફુટ જેટલો હિસ્સો તોડી પાડવામાં આવ્યો હતો. શુક્રવારે આખો દિવસ તંત્ર દ્વારા કોઇ ચહલ પહલ દેખાઇ ન હતી. શુક્રવાર હોવાથી માત્ર સામાન્ય પોલીસ બંદોબસ્ત જ ગોઠવવામાં આવ્યો હતો. જો કે, રાત બાદ સૌથી પહેલા પોલીસ વિભાગમાં સળવળાટ જોવા મળતાં કઇંક બનવાનું છે તેવી સભાવનાઓ દેખાવા લાગી હતી પરંતુ પોલીસ વિભાગે ખુબ જ ચોકસાઇ પૂર્વક કામગીરી શરૂ કરી હતી. સમગ્ર દબાણ હટાવ કામગીરીમાં અગ્રેસર રહેનારા એએસપી જગદીશ બાંગરવાના નેતૃત્વમાં જ સમગ્ર માસ્ટર પ્લાન ઘડાયો હતો. સૌ પ્રથમ તો મસ્જીદ તરફ આવતા તમામ રસ્તાઓ પર બેરીકેટ લગાવી બંધ કરી દેવાયા હતા અને રાત્રે 2-30 વાગ્યાથી જ પોલીસની ફોજ એકત્ર થઇ ગઇ હતી. તબક્કાવાર પોલીસના તમામ સરકારી વાહનોની કતાર ખડકી દેવામાં આવી હતી અને ખૂણે ખૂણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વાહન તેમજ પાણીનો મારો કરવાની પણ જરૂરી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવ્યો હતો. સમગ્ર તૈયારી થયા પછી પોલીસ મસ્જીદ આગળ પહોંચી હતી. ઉપરાંત મામલતદાર, પાલિકા તેમજ સીટીસર્વેનો સ્ટાફ પણ આવી પહોંચ્યો હતો. એકાએક જ એએસપીએ સુચના આપી કે, મહિલા પોલીસ પણ તૈનાત કરો ત્યારે ઘણાંને આશ્ચર્ય થયુ હશે કે આટલી રાત્રે કોણ મહિલાઓ આવી શકે છે ત્યારે થોડી વારમાં જ મહિલા ફોર્સ પણ આવી પહોંચી હતી અને તેની સાથે જ એક બસની વ્યવસ્થા પણ કરી દેવાઇ હતી. મહિલા પોલીસ ફોર્સ મસ્જીદ પર પહોંચી હતી અને ત્યાં જોવા મળ્યુ કે, 30 થી વધુ મહિલાઓ મસ્જીદમાં જ બેઠી હતી. આ મહિલાઓએ મસ્જીદને બચાવવા માટે આખી રાત મસ્જીદમાં જ વીતાવી હતી. આ તમામ મહિલાઓને બહાર કાઢવામાં આવી હતી અને કોઇ પણ પ્રકારના ઘર્ષણ વિના તેમને કાયદાકીય સમજ આપવામાં આવી હતી. છેવટે મહિલાઓને ગળે વાત ઉતરતાં તેઓ પોલીસ વાહનમાં બેસીને રવાના થઇ ગયા હતા. આ વખતે સુરક્ષાના કારણોસર કોઇ અત્યંત ગોપનીયતા રાખવામાં આવી હતી. સવારના 3-45 વાગ્યા અને દાહોદના મહિલા પ્રાંત અધિકારી એન.બી.રાજપૂત કે જેઓ આજકાલ લેડી સિઁઘમના નામથી દાહોદમાં પ્રખ્યાત થયા છે તેમની એન્ટ્રી પડી હતી. એએસપી પહેલેથી જ હાજર હતા ત્યારે પાલિકાના ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા પણ આવી પહોંચ્યા હતા. આ ત્રિપુટી વચ્ચે સામાન્ય ગુપ્તેગુ થઇ હતી કારણ કે આખો પ્લાન પહેલે થી જ તૈયાર હતો. જેથી કરીને પોલીસ બંદોબસ્તનું ધ્યાન રાખવામાં આવ્યું હતું જો કે, સવારનો સમય હોવાથી અને રસ્તો બંધ હોવાથી સામાન્ય દિવસો માફક કોઇ ટોળા એકઠા થયા ન હતાં. બસ થોડી જ વારમાં બે હિટાચી મશીન આવી પહોંચ્યા હતા અને સૂચના મળતા જ મસ્જીદનું દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ધીમે ધીમે મસ્જીદનુ દબાણ ક્રમશ: અને આયોજન બદ્ધરીતે દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આશરે 45 થી 50 મિનીટમાં દબાણ દૂર કરી નાખવામાં આવ્યું હતું. તેની સાથે કાટમાળ હટાવવાની કામગીરી પણ શરૂ કરી દેવાઇ હતી.