રાજકોટ, શહેરમાં પરિણીતાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ સામે આવ્યો છે. ૨૮ વર્ષીય બ્યુટી પાર્લર ચલાવતી પરિણીતાએ રવિ મકવાણા નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી વર્ષ ૨૦૧૯ થી લઈ ૨૦૨૪ સુધીમાં પરણીતાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપી પરિણીતાને દીકરી,પતિને તેમજ ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ફોટા વાયરલ કરવાની પણ ધમકી આપતો હતો. જણાવી દઈએ કે, પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
બનાવની વિગતો જોઈએ તો, શહેરમાં ૨૮ વર્ષીય બ્યુટી પાર્લર ચલાવતી યુવતીએ રવિ મકવાણા નામના વ્યક્તિ વિરુદ્ધ આઇપીસી ૩૭૬ (૨),૩૨૩, ૫૦૬ (૨) સહિતની કલમ હેઠળ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસને આપેલી ફરિયાદમાં પરણીતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આઠ વરસ પૂર્વે તેના લગ્ન થયા હતા. સંતાનમાં તેને બે દીકરીઓ છે. પોતાના પતિ હેર પાર્લર ચલાવે છે. જ્યારે કે પોતે બ્યુટી પાર્લર ચલાવે છે. લગ્ન બાદ પોતાના પિયરમાં પરણીતા રોકાવા જતી હતી. તે સમયે ત્યાં રવિ મકવાણા નામનો વ્યક્તિ પણ પાડોશમાં રહેતો હતો. જેથી પાંચ વર્ષ પૂર્વે રવિ મકવાણાએ કોઈ પાસેથી પરણીતાના નંબર મેળવ્યા હતા. તેમજ ફોન કરીને કહ્યું હતું કે તારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે. આટલા સમયથી સામે રહીએ છીએ પણ હું તને ક્યારેય કહી નહોતો શક્યો. જેથી પરણીતાએ કહ્યું હતું કે મારે તારી સાથે કોઈ ફ્રેન્ડશીપ રાખવી નથી. આરોપી રવિ મકવાણાએ ત્યાર બાદ પણ પરિણીતાને વોટ્સએપમાં મેસેજ કરવાનું શરૂ રાખ્યું હતું. ત્યારે ક્યારેક ક્યારેક બંને વચ્ચે નોર્મલ વાતચીત પણ થતી હતી. દરમિયાન બેથી અઢી વર્ષ પૂર્વે રવિ મકવાણાએ પરિણીતાને કહ્યું હતું કે હું તને લવ કરું છું. હવે તું મારી જ છો અને મારી જ કરીને હું રાખીશ. હું તને કોઈની થવા નહીં દઉં. હું તને ભગાડીને લઈ જઈ ચાલ આપણે ભાગી જઈએ તે પ્રકારના વાક્યો કહ્યા હતા. પરંતુ મહિલાને પોતાનો સંસાર બગડે તે પ્રકારનું કામ કરવું નહોતું. મહિલા એક દિવસ પોતાના ઘરે એકલી હતી ત્યારે રવિ મકવાણા પરિણીતાના ઘરે આવી પહોંચ્યો હતો અને મહિલા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. ત્યારબાદ પરણીતાને રવિ મકવાણા માનસિક રીતે પણ ખૂબ ટોર્ચર કરતો હતો.
આરોપી મહિલા એકલી હોય ત્યારે તેના ઘરે આવીને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો. એક વખત આઈપીએ મહિલા સાથેના પોતાના ફોટોગ્રાસ પણ પાડી લીધા હતા. જે ફોટા વાયરલ કરવાની ધમકી આપીને હોટલમાં બોલાવીને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ પણ બાંધતો હતો.
ગત ૫મી ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ રવિ મકવાણા મહિલાને ફોન કરીને હોટેલમાં બોલાવી હતી.તેની સાથે બળજબરી કરીને તેના કપડાં કાઢવાની પણ કોશિશ કરી હતી. ત્યારે હોટલમાંથી નીકળતા મહિલાનો પતિ જોઈ ગયો હતો જેથી તેનો ફોન લઈ લેતા તેના પતિને તમામ વાત ખબર પડી ગઈ હતી. આ આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતા છેલ્લા બે અઢી મહિનાથી મહિલા પોતાના પિયરમાં રહેતી હોવાનું સામે આવ્યું છે.
આ મામલે મહિલાએ આરોપી સામે આઇપીસી ૩૭૬ (૨), ૩૨૩, ૫૦૬ (૨) સહિતની કલમ હેઠળ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.