પરિયોજનાઓમાં ભ્રષ્ટાચાર

પરિયોજનાઓમાં ભ્રષ્ટાચાર

વિકાસ પરિયોજનાઓમાં ભ્રષ્ટાચાર અને વિલંબ બંને અક્ષમ્ય છે. બિહારમાં અઠવાડિયાથી ઓછા સમયમાં ત્રણ નિર્માણાધીન પુલ ધસી પડ્યા છે, થોડા જ મહિનામાં ત્યાં સાત પુલ તૂટી ગયા છે. આ દર્શાવે છે કે નિર્માણમાં ઉતરતી કક્ષાની સામગ્રીનો ઉપયોગ થયો અને જવાબદાર લોકો આંખો મીંચી રહ્યા. બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાં રવિવારે એક નિર્માણાધીન નાનો પુલ તૂટી પડ્યો, જે રાજ્યમાં એક અઠવાડિયાથી ઓછા સમયમાં ત્રીજી એવી ઘટના છે.

એના પહેલાં મંગળવારે અરરિયા જિલ્લામાં લગભગ ૧૮૦ મીટર લાંબો નવનિમત પુલ ધસી પડ્યો હતો. કમાલ છે કે કરોડોના એસ્ટીમેટથી પુલ નિર્માણનાં કામ થાય છે, ત્યારબાદ પણ જો પુલ તૂડી પડે તો પ્રક્રિયામાં ભ્રષ્ટાચારની ગંધ આવે છે. ક્યારેક કોઈ પુલનું તૂટવું દુર્ઘટના હોઇ શકે છે, પરંતુ નિર્માણ દરમ્યાન જ કે નિર્માણના તરત બાદ પુલ તૂટી જવો ભ્રષ્ટાચારનો જ સંકેત કરે છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કદાચ કડક પ્રશાસન આપવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે, તેમની સરકારમાં સતત પુલોનું આ રીતે તૂટી પડવું, તેમના નાક નીચે ચાલી રહેલા ભ્રષ્ટાચારની ચાડી ખાય છે.

બિહાર સરકારે પુલ સહિત તમામ વિકાસ કાર્યોની ગહન સમીક્ષા કરવી જોઇએ, નિર્માણની ગુણવત્તા માટે ઉચ્ચ સ્તરના પેરામીટર બનાવવા જોઇએ, ભ્રષ્ટાચારમાં લિપ્ત દોષીઓ વિરુદ્ઘ સજા સુનિશ્ર્ચિત કરવી જોઇએ. આ રીતે પુલ ધસતા રહ્યા તો નીતિશ સરકારની છબિ ભ્રષ્ટ સરકારની બની જશે. ખાસ વાત એ છે કે બિહારમાં કેન્દ્ર સરકારની પણ કેટલીય મોટી પરિયોજનાઓ ચાલી રહી છે, જો સ્થાનિક સ્તરે તેમાં પણ ભ્રષ્ટાચાર થશે તો તેનાથી સરકારી રાજસ્વનું નુક્સાન તો થશે જ, સાથે જ સડક, પુલ જેવી જાહેર ઉપયોગ કરનારા લોકોને જાનમાલનું નુક્સાન પણ થશે.

સડક પુલ જેવા વિકાસ કાર્યોમાં દેશભરમાં ભ્રષ્ટાચાર વ્યાપ્ત છે. આ એક ગંભીર બાબત છે, તેને સરકારે, નિર્માણ કરાવનારી સરકારી એજન્સીઓએ ગંભીરતાથી લેવી જોઇએ. એવા જ બુનિયાદી માળખા ક્ષેત્રની ૧૫૦ કરોડ રૂપિયા કે તેનાથી વધુના ખર્ચવાળી ૪૫૮ પરિયોજનાઓનો ખર્ચ આ વર્ષે મે સુધી નક્કી અનુમાનથી ૫.૭૧ લાખ કરોડ રૂપિયાથી વધી ગઈ છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિલંબ અને અન્ય કારણોસર આ પરિયોજનાઓમાં ખર્ચ વયો છે. મંત્રાલયના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની ૧૮૧૭ પરિયોજનાઓમાંથી ૪૫૮નો ખર્ચ વધી ગયો છે, જ્યારે ૮૩૧ અન્ય પરિયોજનાઓ વિલંબથી ચાલી રહી છે.

વિલંબને કારણે પરિયોજનાઓનો ખર્ચ ૨૦.૭૦ ટકાનો એટલે કે આશરે ૫૭૧૦૮૦ કરોડ રૂપિયા વધી ગયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિલંબથી ચાલી રહેલી ૮૩૧ પરિયોજનાઓમાંથી ૨૪૫ પરિયોજનાઓ એક મહિનાથી ૧૨ મહિના, ૧૮૮ પરિયોજનાઓ ૧૩ થી ૨૪ મહિલનાની, ૨૭૧ પરિયોજનાઓ ૨૫ થી ૬૦ મહિના અને ૧૨૭ પરિયોજનાઓ ૬૦ મહિનાથી વધુ વિલંબથી ચાલી રહી છે. આ ૮૩૧ પરિયોજનાઓમાં વિલંબની સરેરાશ ૩૫.૧ મહિનો છે! વિકાસ પરિયોજનાઓ સમયસર પૂરી થાય તે જરૂરી છે, તેનાથઈ ખર્ચ વધવા રૂપે સરકાર પર વધારાનો બોજ નહીં વધે. પરિયોજનાઓમાં વિલંબ પાછળ પણ ભ્રષ્ટાચાર એક કારણ છે. વિકાસ પરિયોજનાઓમાં ભ્રષ્ટાચાર વિરુદ્ઘ કઠોર નિયમ બનાવવા અને લાગુ કરવા પડશે.