- દેશ તમામ ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ કરી રહ્યો છે. કૃષિ, શિક્ષણ, આરોગ્ય, માર્ગ, રેલ, ઉદ્યોગ સહિતના તમામ ક્ષેત્રોમાં વિકાસના અનેક વિક્રમો પ્રસ્થાપિત થયા છે.
લખનૌ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આંબેડકર નગરને રૂ. ૧૨૧૨ કરોડના ૨૩૩૯ વિકાસ પ્રોજેક્ટ્સ સોંપ્યા હતાં.આ દરમિયાન મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં નવ વર્ષમાં થયેલા ઐતિહાસિક વિકાસની પણ ચર્ચા કરી હતી. કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર હતા. કાર્યક્રમને સંબોધતા સીએમ યોગીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્ર્વમાં ભારતની પોતાની આગવી ઓળખ છે.દેશ તમામ ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ કરી રહ્યો છે. કૃષિ, શિક્ષણ, આરોગ્ય, માર્ગ, રેલ, ઉદ્યોગ સહિતના તમામ ક્ષેત્રોમાં વિકાસના અનેક વિક્રમો પ્રસ્થાપિત થયા છે.
સીએમ યોગીએ કહ્યું કે આજે કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી રહ્યો છે. ઘણી લોક કલ્યાણ યોજનાઓએ સામાન્ય લોકોના જીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. આજે લોકોને રાશન, ગેસ, વીજળી, આરોગ્યનો લાભ મળી રહ્યો છે. હાલમાં પણ દેશના લોકોના હિતમાં અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.
સીએમ યોગીએ કહ્યું કે એક સમય હતો જ્યારે દેશ આતંકવાદીઓથી પરેશાન હતો. આ નવ વર્ષમાં આતંકવાદ, ઉગ્રવાદ અને નક્સલવાદને નાબૂદ કરવામાં આવ્યો છે. હાલના સમયમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે કાશ્મીરના લોકોને તેમના દેશ ભારત પર ગર્વ છે. ત્યાંથી આતંકવાદ જેવા મોટા અભિશાપને ખતમ કરીને રોજગાર અને વિકાસના કામોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સરકારની અનેક યોજનાઓ ત્યાં ચાલી રહી છે. આજે કોઈ પાકિસ્તાન જેવા ગરીબ દેશ સાથે ઉભા રહેવા માંગતું નથી.
સીએમ યોગીએ કહ્યું કે જાતિ અને ધર્મથી ઉપર ઉઠીને નવા ભારતનું નિર્માણ કરવાનો સમય આવી ગયો છે. સ્વાર્થની લાગણી છોડીને દેશના હિતમાં સૌએ આગળ આવવાની જરૂર છે. સીએમએ કહ્યું કે પરિવારવાદ અને જાતિવાદને પ્રોત્સાહન આપનારા આ લોકો દેશનો વિકાસ કરી શક્તા નથી. આ લોકો માટે પોતાનું હિત પ્રથમ અને દેશનું હિત પાછળ છે. દેશના વિકાસ માટે ત્યાગની ભાવના હોવી જોઈએ. સેવાની ભાવના હોવી જોઈએ અને તે માત્ર ભાજપ જ કરી શકે છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે આજે આપણો દેશ ભારત બ્રિટનને પાછળ છોડીને વિશ્ર્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. આ ભારતના ઝડપી વિકાસને દર્શાવે છે. ભારત એક મજબૂત અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે. આ દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્યમાં ધાર્મિક સ્થળોએ થઈ રહેલા ઝડપી ફેરફારોની ચર્ચા કરતા દરેકને અયોધ્યા અને કાશી વિશ્ર્વનાથ મંદિરની મુલાકાત લેવાની અપીલ કરી હતી.