ચેન્નાઇ, ભારતે ભલે ચંદ્ર ઉપર પહોંચવામાં સફળતા મેળવી હોય પરંતુ નાતજાતના વાડા આજે પણ સમાજમાં યથાવત છે. તામિલનાડુમાં પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરવા એક દંપતિ માટે મોંઘા સાબિત થયા છે. લગ્નના ત્રણ દિવસ બાદ જ દંપતીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. આ હત્યા પરિવારના સભ્યો દ્વારા જ કરવામાં આવી છે કે અન્ય કોઈ કારણસર કરવામાં આવી છે તે હજુ સ્પષ્ટ થયું નથી અને પોલીસ તેની તપાસ કરી રહી છે.
મુરુગેસન, થુથુકુડીની રહેવાસી ૨૪ વર્ષની મારી સેલ્વમ અને થિરુ વી નાગાની રહેવાસી ૨૦ વર્ષની કાર્તિકા છેલ્લા બે વર્ષથી રિલેશનશિપમાં હતા. બંને તેમના માતા-પિતાની ઈચ્છા વિરુદ્ધ ભાગી ગયા અને ૩૦ ઓક્ટોબરે લગ્ન કરી લીધા અને મુરુગેસન નગરમાં સાથે રહેવા લાગ્યા.
ગુરુવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ પાંચ લોકોની ટોળકી અચાનક તેમના ઘરમાં ઘૂસી ગઈ હતી. તેઓએ નવદંપતિની નિર્દયતાથી હત્યા કરી હતી અને સ્થળ પરથી ભાગી ગયા હતા. થૂથુકુડી સિપકોટ પોલીસને ઘટનાની માહિતી મળી અને ઘટનાસ્થળે પહોંચીને મારી સેલ્વમ-કાર્તિકાના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે થૂથુકુડી સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે છ લોકો બે મોટરસાઈકલ પર આવ્યા હતા અને દંપતીની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘાતકી હત્યાની ઘટના બાદ જિલ્લા એસપી બાલાજી અને ગ્રામીણ ડીએસપી સુરેશ ઘટના સ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી. ગુનેગારોને પકડવા માટે ત્રણ વિશેષ ટીમો બનાવવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.