પેરિસ ઓલિમ્પિકનાં સિક્યોરિટી પ્લાનની ટ્રેનમાંથી ચોરી,પોલીસે શરૂ કરી તપાસ

પેરિસ, પેરિસ ઓલિમ્પિક ગેમ્સના પ્લાનની ચોરી થતા અધિકારીઓ અને પોલીસે તપાસ હાથધરી છે, આ બેગમાં એક કોમ્પ્યુટર અને બે યુએસબી મેમરી સ્ટિક હતી. જેમાં પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે પોલીસ સુરક્ષા યોજનાઓ હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ બેગ પેરિસ સિટી હોલના એન્જિનિયરની હતી. તેમણે આ બેગ પોતાની સીટ ઉપર લગેજ કમ્પાર્ટમેન્ટમાં રાખી હતી. ટ્રેન મોડી પડી હોવાથી તેમણે ટ્રેન બદલવાનું નક્કી કર્યું હતુ,ત્યારે તેમને ચોરીની જાણ થઈ હતી.

એન્જિનિયરના જણાવ્યા અનુસાર,તેમના વર્ક કોમ્પ્યુટર અને બે યુએસબી સ્ટિક્સમાં સંવેદનશીલ ડેટા છે, ખાસ કરીને મ્યુનિસિપલ પોલીસની ઓલિમ્પિક સુરક્ષા યોજના તેમાં છે. પ્રાદેશિક વાહન વ્યવહાર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન બે હજાર મ્યુનિસિપલ પોલીસ અધિકારીઓ તહેનાત કરવામાં આવશે, જેમાં ૨૬ જુલાઈથી શરૂ થનારી ઓલિમ્પિક્સ માટે દરરોજ લગભગ ૩૫,૦૦૦ દળો તહેનાત રહી શકે છે.

પેરિસ ઓલિમ્પિક ગેમ્સની સત્તાવાર વેબસાઇટ મુજબ કુલ ૩૫ સ્થળોએ ૨૪ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવશે. તેમાંથી ૧૪ સ્થાનો સીધા ઓલિમ્પિક વિલેજની ૧૦ કિલોમીટરની ત્રિજ્યામાં સ્થિત છે. ટિકિટના વેચાણ અંગે વેબસાઈટ જણાવે છે કે ખૂબ જ વધારે માંગને કારણે ટિકિટોની ફાળવણી ડ્રો દ્વારા કરવામાં આવશે. ઓલિમ્પિક ગેમ્સ માટે અંદાજે ૧ કરોડ ટિકિટ ઉપલબ્ધ હશે, જ્યારે પેરાલિમ્પિક ગેમ્સ માટે અંદાજે ૩૪ લાખ ટિકિટ ઉપલબ્ધ હશે. તમામ ટિકિટ એક જ વેબસાઇટ દ્વારા વેચવામાં આવશે. ઓલિમ્પિક ગેમ્સની ટિકિટ ૨૪ યુરોથી શરૂ થાય છે, જ્યારે પેરાલિમ્પિક ગેમ્સની ટિકિટ ૧૫ યુરોથી શરૂ થાય છે.