
ચંડીગઢ,
તલાક પહેલા જો કોઈ મહિલાના અન્ય પુરુષ સાથે સંબંધ સાબિત થઈ જાય તો તે મહિલા તલાક બાદ ભરણપોષણની રકમ માટે હકદાર હોતી નથી. પંજાબ હાઈકોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન આ નિર્ણય કર્યો છે. પંજાબ હાઈકોર્ટે જણાવ્યું છે કે, મહિલાના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાને કારણે તલાક લેવાનું હોય અને મહિલાના અન્ય પુરુષ સાથે સંબંધ છે તે તેવું સાબિત થઈ જાય તો આ પ્રકારના મામલાઓમાં મહિલાને ભરણપોષણની રકમ આપી શકાય નહીં.
જસ્ટિસ રિતુ બાહરી અને જસ્ટિસ નિધિ ગુપ્તાની ખંડપીઠે આ પ્રકારના એક મામલામાં મહિલાની અરજીને નકારી દીધી છે. મહિલાએ અરજીમાં જણાવ્યું હતું કે, તલાક બાદ ભરણપોષણની રકમ આપવામાં આવે. હાઈકોર્ટની ખંડપીઠે જણાવ્યું છે કે, જો પતિએ તેની પત્ની પર અત્યાચાર કર્યો હોય અને ત્યારબાદ તલાક થઈ જાય તો તે મહિલા ભરણપોષણની રકમ માટે હકદાર ગણાય છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે, આ પ્રકારના મામલામાં મહિલાના અન્ય પુરુષ સાથે સંબંધ હોય તો તેને ભરણપોષણની રકમ મળી શક્તી નથી.
આ સમગ્ર મામલા પર નજર નાખવામાં આવે, તો, ૮ મે ૧૯૮૯ના રોજ આ દંપતીના લગ્ન થયા હતા. લગ્ન બાદ દંપતીને સંતાન થતું નહોતું. આ કારણોસર પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. આ ઝઘડો એટલી હદે વધી ગયો હતો કે, તે મહિલા પોતાના પતિને નામર્દ કહેવા લાગી હતી. તે મહિલાએ અન્ય પુરુષ સાથે સંબંધ પણ બનાવી લીધા હતા.
મહિલાએ પાડોશમાં રહેતા એક જેલ અધિકારી સાથે વાતચીત વધારી દીધી હતી. મહિલા અને આ જેલ અધિકારી આપત્તિજનક પરિસ્થિતિમાં પણ પકડાઈ ગયા હતા. આ તમામ બાબતોથી પરેશાન થઈને મહિલાના પતિએ મહિલાને લગ્નના ૧૭ વર્ષ બાદ છોડી દીધી અને કોર્ટ પાસે તલાકની માંગણી કરી હતી. ત્યારબાદ મહિલાએ કોર્ટ પાસે ભરણપોષણની રકમ માટે અરજી કરી હતી. પંજાબ તથા હરિયાણા હાઈકોર્ટે આ અરજીને નકારી દીધી હતી. મહિલાના અન્ય પુરુષ સાથે સંબંધ સાબિત થઈ જતાં હાઈકોર્ટે મહિલાની અરજીને ફગાવી દીધી છે અને ભરણપોષણની રકમ આપવાની ના પાડી દીધી છે.