
દહેરાદુન,
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નકલ કરતા અને પેપરલીક કરનારાઓ સામે ઉત્તરાખંડમાં નકલ વિરોધી કાયદો લાગુ કરવામાં આવ્યો છે.આ વટહુકમમાં હવે પેપર લીક કરવા, નકલ કરવા અથવા ભરતી પરીક્ષાઓમાં અન્યાયી રીતે સામેલ થવા બદલ આજીવન કેદની જોગવાઈ છે. આ સાથે ૧૦ કરોડ રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડશે. આ બિનજામીનપાત્ર ગુનામાં ગુનેગારોની સંપત્તિ જપ્ત કરવામાં આવશે.

ઉત્તરાખંડમાં આ વટહુકમ તેના અમલીકરણની તારીખથી પ્રભાવી બન્યો છે. જેમાં સંગઠિત છેતરપિંડી અને અન્યાયી માયમોમાં સંડોવાયેલા કેસોમાં નાણાકીય દંડની સાથે કેદની જોગવાઈઓ છે.આ વટહુકમ હેઠળનો પહેલો કેસ પણ ઉત્તરકાશી જિલ્લામાં નોંધવામાં આવ્યો છે. આરોપી અરુણ કુમાર પર પરીક્ષા સાથે જોડાયેલી ભ્રામક માહિતી જાણીજોઈને ફેલાવવાનો આરોપ છે.
આ નકલ વિરોધી કાયદા હેઠળ પેપરલીક અને નકલ કરનારા માફિયાઓને આજીવન કેદ અથવા ૧૦ વર્ષની જેલની સાથે ૧૦ કરોડ રૂપિયાનો દંડ ફટકારવાની જોગવાઈ છે. આ ઉપરાંત પેપરલીક અને નકલ કરનારા માફિયાઓની મિલક્ત જપ્ત કરવાની પણ જોગવાઈ છે.
ઉત્તરાખંડ નકલ વિરોધી કાયદા હેઠળ પેપર લીક કરનારા વિદ્યાર્થીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે, જો કોઈ વિદ્યાર્થી ભરતી પરીક્ષાઓમાં પેપર લીક કરશે અથવા છેતરપિંડી કરીને પરીક્ષા પાસ કરશે તો તે વિદ્યાર્થી પર ૧૦ વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવશે.
આનો અર્થ એ થયો કે, જો કોઈ વિદ્યાર્થી આ પ્રકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલો જોવા મળે, તો તે ૧૦ વર્ષ સુધી કોઈપણ ભરતી પરીક્ષામાં બેસી શકશે નહીં. તેઓ ભરતી પરીક્ષાઓમાં ભાગ લઈ શકશે નહીં. આવા વિદ્યાર્થીઓ પર ગેંગસ્ટર એક્ટ લાગુ કરવામાં આવશે.
આ સાથે તેની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે. આ નિયમ એવા વિદ્યાર્થીઓને લાગુ પડશે કે જેઓ પ્રશ્ર્નપત્ર લીક કરે છે અને તેને ખરીદીને છેતરપિંડી કરીને પરીક્ષા પાસ કરે છે.